________________
સંપાદકીય
[બીજી આવૃત્તિ વેળાએ ] સાહિત્ય અને પત્રકારત્વ વિશે ૧૯૮૦ની ૨૦મી એપ્રિલે ગુજરાતી સાહિત્ય પરિષદે પરિસંવાદ યોજ્યો હતો જેની વિગતો પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાંથી મળી રહેશે. આ વિષયના અભ્યાસીઓની માંગને કારણે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. પંદર વર્ષના ગાળામાં પત્રકારત્વજગતમાં ઘણાં દૂરગામી અસરો કરનારાં પરિવર્તનો થયાં છે. આ પરિવર્તનોની આ ગ્રંથમાં યથાશક્ય નોંધ લીધી છે. આ ગ્રંથનું લખાણ પ્રત્યેક લેખકને મોકલવામાં આવ્યું હતું અને તેમાં જે કાંઈ ફેરફાર સૂચવ્યા તે બધાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય-સામયિકો વિશે પૂર્તિરૂપે શ્રી રમણ સોનીએ લેખ લખી આપ્યો, તે માટે આભારી છું. પુસ્તકને અંતે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના રીડર શ્રી નવલસિંહ કે. વાઘેલાએ અભ્યાસીઓને ઉપયોગી એવી વિસ્તૃત લેખસૂચિ કરી આપી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરે છે તે માટે એ સંસ્થાને કાર્યવાહકોનો આભારી છું. આ વિષયના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને આ પુસ્તક ઉપયોગી બનશે તેમ માનું છું.
તા. ૨૧ માર્ચ, ૯૯
- કુમારપાળ દેસાઈ