________________
આમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર હતા. મુંબઈ, નડિયાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ખેડા જેવાં સ્થળોએથી આ વિષયમાં રસ ધરાવનારા જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદમાં સામેલ થનાર વક્તાઓ ઉપરાંત શ્રી અનંતરાય રાવળ, શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ), શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી જયંત કોઠારી, શ્રી પ્રમોદકુમાર પટેલ, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી ચિમનલાલ ત્રિવેદી, શ્રી જયંત ગાડીત, શ્રી ચંદ્રકાન્ત શેઠ અને શ્રીમતી વર્ષા અડાલજા જેવા સાહિત્યકારો તેમજ શ્રી કૃષ્ણવીર દીક્ષિત, શ્રી ચકોર, શ્રી બાબુભાઈ શાહ, શ્રી મહેશ ઠાકર, શ્રી રવીન્દ્ર ભટ્ટ, શ્રી ધનંજય શાહ જેવા પત્રકારો પણ હાજર હતા. શ્રી યશ શુક્લ, શ્રી જયવદન પટેલ અને શ્રી ચીમનભાઈ પટેલ અનુપસ્થિત હોવાથી એમના નિબંધોનું વાંચન અનુક્રમે શ્રી પ્રિયકાન્ત પરીખ, શ્રી મહેશ ઠાકર અને શ્રીમતી વર્ષા અડાલજાએ કર્યું હતું. આમ આખો દિવસ સાહિત્ય અને પત્રકારત્વના પારસ્પરિક સંબંધ અને પ્રભાવનાં જુદાં જુદાં પાસાંઓની છણાવટ કરવામાં આવી તેમાં ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકપત્રોની ચર્ચા પણ સાંકળી લેવામાં આવી હતી.
આ પરિસંવાદમાં ઉપસ્થિત વક્તાઓએ ઉપસાવેલા પ્રશ્નો સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે નવાં પ્રસ્થાનો માટેની ભૂમિકા તૈયાર કરી આપશે, અને એ રીતે બંને ક્ષેત્રોમાં ચાલતી પ્રવૃત્તિને ઉપકારક નીવડશે તો આ પરિસંવાદના આયોજનનો હેતુ સફળ થયેલો ગણાશે. “પરબના જૂન ૮૦ના વિશેષાંકમાં પ્રગટ થયેલા લેખો અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. આમાં ગ્રંથને અંતે ગુજરાતીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ બનાવવામાં સહાયરૂપ થવા માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને ગુજરાતી સાહિત્ય પરિષદ ગ્રંથાલયના ઉત્સાહી સાહિત્યપ્રેમીઓના આભારી છીએ.
સાહિત્ય અને પત્રકારત્વ ઉભય ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરનારને આ પુસ્તક ઉપયોગી નીવડશે, એવી શ્રદ્ધા છે.
- કુમારપાળ દેસાઈ
|
|
|