________________
વિકાસનો આલેખ | ઉ૩
ઊર્મિ-વહન માટે આજની ભાષામાં કશું સત્ત્વ રહ્યું નથી; અતિશય વપરાશથી કૂચો થઈ ગઈ છે; એનો વાક ચાલ્યો ગયો છે. સતત દોડતી દુનિયાને છાપાંમાં ઉતારવા માટે શબ્દોની ટંકશાળની જરૂ૨ ત્રણ દાયકાથી ઊભી થઈ છે, વર્તમાનપત્રોને નવા શબ્દો, નવા અલંકારો, નવી શૈલીઓ અને નવા ભાષાપ્રયોગો પૂરા પાડવાને બદલે દારિત્ર્ય વેઠતાં છાપાંમાંથી સાહિત્ય પોતે ઉઠાવે છે.'
ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાષાની કટોકટી ચાલે છે. પત્રકારો હંમેશ ઉતાવળમાં હોવાથી જે તત્કાલ મળે એ વાપરી લે છે. નવા શબ્દો, વાક્યરચના, શૈલીના પ્રયોગો માટે એમને જરાય અવકાશ નથી. છતાં નવા શબ્દોની તાતી જરૂર છાપાં માટે પડ્યા જ કરે છે.
છાપાં તેમજ સાહિત્યને ખરેખર લોકભોગ્ય બનાવવા માટે જે ભગીરથ કાર્ય કરવાનું છે એ નથી છાપાં કરતાં, કે નથી સાહિત્યકારો કરતા. છાપાંને માટે અત્યારની ગુજરાતી લિપિ પણ કાયમની રહી નથી. અંગ્રેજી મુદ્રણમાં એટલી ક્રાંતિ થઈ છે કે, છાપામાં અંગ્રેજી અક્ષરો જેટલી જગ્યા (કોલમ x સેન્ટિ.)માં સમાય છે એનાથી ત્રીજા ભાગના પણ ગુજરાતી શબ્દો તેટલી જગ્યામાં સમાઈ શકતા નથી; અને વધારામાં એ યાદ રાખવું જોઈએ કે આધુનિક અંગ્રેજી ખૂબ અર્થઘન છે, જેથી એનો લાભ બેવડો છે. નવા મરોડ અને સરળ છતાં અર્થઘન ભાષા સાહિત્યકારો મેળવી આપે તો જ ગુજરાતી છાપાં સામૂહિક માધ્યમ તરીકે યથાર્થ ઠરે. ગુજરાતમાં સરળ ભાષાવાળાં, સસ્તામાં સસ્તા તથા રાજકારણ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓનું નગ્ન નહીં પણ વિવેકભર્યું વાસ્તવિક પ્રતિબિંબ પાડતાં છાપાંની જરૂર ચોખ્ખા પાણીના જેટલી જ છે. શ્રી ચીમનભાઈ પટેલે (સંદેશ) અખબારોની માલિકીના પ્રશ્નની છણાવટ કરીને ટ્રસ્ટીશીપનું સ્વરૂપ વધુમાં વધુ યોગ્ય લેખ્યું. જે માલિકી ગુજરાતના છાપાને ઉપર મુજબ બનાવીને ચલાવે એ ગમે એ પ્રકારની હોય એ સામે અમને વાંધો નથી. જો એઓ ટ્રસ્ટીશીપ જેવા આદર્શને છાપાના ચોકઠામાં ગોઠવી શકે તો અમને એ ઊલટાના આવકાર્ય બનશે, કારણ કે છાપું હવે ઉદ્યોગ હોવાથી એમની વહીવટી શક્તિની પણ અમને ઘણી જરૂર છે.