________________
૬૪
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતું ઘણું લખાણ અલ્પજીવી હોય છે એ ખરું છે, કોઈ પંડિતો એ લખાણને છાપાળવું કહે એનીય ફિકર કરવાની જરૂર નથી, પરંતુ સાહિત્યના જુદા જુદા વાતાગમ વિભાગો (વૉટર-ટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ) જન્માવીને કોઈને કહેવાનો, દલીલબાજી કરવાનો, પત્રકાર ઊંચો કે સાહિત્યકાર ? પત્રકારમાં દૈનિકકાર મહાન કે માસિકકાર ? સાહિત્યમાં ગદ્યલેખક મહાન કે પદ્યલેખક ? ગદ્યલેખકમાં મૌલિક સર્જનકાર મહાન કે વિવેચક ? પદ્યલેખકમાં અર્થઘન અગેય કવિતાલેખક કવિ કહેવાય કે સરલ ગદ્ય કવિતા લખનાર ? – એવી એવી ચર્ચા કરવાનો કાંઈ અર્થ હોય તોપણ એનો અંત આવે એમ નથી. દરેક ક્ષેત્રમાં પ્રતિભાને અવકાશ છે. પ્રતિભા નિર્જીવ વસ્તુને સજીવ બનાવી શકે છે. ચિરંજીવી સાહિત્યનો લેખક એક ગ્રંથકાર અને વર્તમાનપત્રોનો તેજસ્વી સંપાદક એ બેઉની તુલના કરો, અને જો બેઉની પ્રતિભાને તોળી શકાતી હોય તો બેઉનું વજન જરૂર સરખું થશે. પત્રકારત્વ સાહિત્યકારત્વ કરતાં ઊતરતું જ લેખાય એમ સાહિત્યનો પક્ષપાતી કહે અને વર્તમાનપત્રનો પક્ષપાતી સાહિત્યને ઊતરતું કહીને સૌથી પહેલો કાપ ગ્રંથવિવેચનના જ પાના ઉપર મૂકે, તેથી કાંઈ બેઉની પ્રતિભાનાં સાચાં મૂલ્ય અંકાઈ જતાં નથી. પત્રકારત્વ સાહિત્યકારત્વ જેટલું વૃદ્ધ થયું નથી. પરંતુ જ્યારે ભાવિ ઇતિહાસકાર એ બેઉની નિષ્પત્તિ પાછળ રહેલી પ્રતિભાનો તુલનાત્મક ઇતિહાસ લખશે, ત્યારે એ જરૂર ન્યાય તોળશે કે એક સાચા સાહિત્યકાર જેટલો જ મહાન એક સાચો પત્રકાર છે અને સાહિત્યવિવેચન તથા વૃત્તવિવેચન બંને જોડિયા ભાઈ છે.
- ચુનીલાલ વર્ધમાન શાહ (ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પત્રકારત્વ
વિભાગના પ્રમુખ તરીકે આપેલા વક્તવ્યમાંથી)