________________
૪૭
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
સમાચારમાં કે અહેવાલમાં સશક્તપણું કે અસરકારકતા ત્યારે જ આવે કે વૃત્તાંતનિવેદકે એમાં દિલથી કામ કર્યું હોય. આજકાલ ગુજરાતી પત્રોમાં, વૃત્તાંતનિવેદનના ક્ષેત્રે નવી નવી શક્તિઓ ઘણી આવે છે, નવી કલમો અને નવું લોહી પણ આવતું જાય છે. કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ વ્યવસાયમાં જ્યારે નવી શક્તિ કે નવું લોહી કે નવા પ્રવાહો ભળે છે ત્યારે જ એને ગતિશીલતા મળે છે. પત્રકારત્વ અને એમાંય વૃત્તાંતનિવેદકની કામગીરી એક વિશેષ પ્રકારની કામગીરી છે. આ કામગીરી વિશેષ પ્રકારના ગુણો અને વિશેષ પ્રકારની શક્તિ પણ માગી લે છે. જે નવો ફાલ આ ક્ષેત્રે આવે છે એમાં આંગળીના વેઢે ગણી શકાય એવા જ થોડા વૃત્તાંતનિવેદકો સાચા અર્થમાં વૃત્તાંતનિવેદક કહી શકાય એવા હોય છે. એવું પણ જોવા મળે છે કે, પોલીસ, કોર્ટ કે જુદા જુદા રાજકીય પક્ષો તરફથી જે વિગતો મળે, કે એમની મારફતે જે માહિતી પૂરી પાડવામાં આવે, એ જ બહુધા અખબારમાં છાપીને-ચમકાવીને સંતોષ માનવામાં આવે છે, પણ વિગતોમાં ઊંડા ઊતરી, પોતાની રીતે જાતમાહિતી મેળવી, બનાવની ભૂમિકા અને સંદર્ભને સમજી વિચારી વૃત્તાંતનિવેદન કરનારા વૃત્તાંતનિવેદકો બહુ ઓછા જોવા મળે છે. વૃત્તાંતનિવેદન ખીલતું જાય છે એ વાત સાચી, પણ ધોરણ સચવાતું નથી, ભાષાશુદ્ધિ જળવાતી નથી, ક્યાંક ક્યાંક અતિરે કપણું વર્તાય છે, શબ્દોના અનુચિત ઉપયોગો જોવા મળે છે, અને જેમ જેમ અખબારોનો ફેલાવો વધતો જાય છે, એમ એમ ભાષાનું ધોરણ જળવાતું નથી. પત્રના ફેલાવાની સાથે સાથે પત્રમાં પણ ભાષાની શુદ્ધતા જળવાઈ રહે એ એટલું જ મહત્ત્વનું છે.
એવા ઘણા પ્રસંગો, ઘટનાઓ, ઝંઝાવાત ઊભાં થાય છે કે જ્યારે વૃત્તાંતનિવેદકે સ્વસ્થતા જાળવવાની રહે છે, સમતોલપણું જાળવીને ગંભીરતાથી કામગીરી બજાવવાની હોય છે. આવા પ્રસંગોએ આવેશ, ઉત્તેજના, પૂર્વગ્રહ અને ઉતાવળાં અનુમાનોથી પ્રેરિત અહેવાલ અપાય તો એથી સનસનાટી ભલે ઊભી થતી હશે, પણ સમાજને મોટી હાનિ પહોંચે છે. વૃત્તાંતનિવેદકો તો અહેવાલો લખી, ચીફ રિપોર્ટર સમક્ષ રજૂ કરી દેતા હોય છે. મુખ્ય વૃત્તાંતનિવેદનની કામગીરી ઘણી જવાબદારીવાળી હોય છે, કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું, કયા સમાચારને કઈ રીતે રજૂ કરવો, કયા સમાચારમાં કઈ કઈ ખૂટતી માહિતી છે એ જાણી વધુ માહિતી મેળવવા રિપોર્ટરને કહેવું. સમાચાર કે ઘટના બન્યા પછી “ફોલો-અપ' કરવાની કામગીરી – એ બધી જવાબદારી મુખ્ય વૃત્તાંતનિવેદકને માથે હોય છે. કોઈ પણ અખબારનો મુખ્ય વૃત્તાંતનિવેદક જેટલો શક્તિશાળી અને સૂઝવાળો એટલી જ એનો સમાચાર વિભાગ સમૃદ્ધ અને ધારી અસર ઊભી કરનારો હોવાનો.
આપણાં ગુજરાતી અખબારો જેમ જેમ સમૃદ્ધ થતાં જાય છે, એમ એમ સમાચાર વિભાગને પણ સમૃદ્ધ કરવાનો બનતો યત્ન કરે છે. જોકે હજુ જે રીતનો પ્રયત્ન થવો જોઈએ એ રીતનો થતો નથી. આજના સમાચારપત્રો, જુદા જુદા વિભાગો