________________
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન ૪૫ રાખીને જ વૃત્તાંતનિવેદન કરવાનું પણ શરૂ થયું. આ બધાંને કારણે વૃત્તાંતનિવેદન અંગે શુદ્ધિ અને આચાર બાજુ પર મુકાઈ ગયાં. પરિણામ એ આવ્યું કે રિપૉટિંગનું ધોરણ નીચું ઊતરતું ગયું છે. સાચું રાજકીય ચિત્ર જાણવું હોય તો વાચકને ત્રણ-ચાર જુદાંજુદાં અખબારો વાંચવાં પડે છે, અને સામાન્ય વાચક તો જુદી જુદી નીતિ ધરાવતાં જુદાં જુદાં અખબારોમાં, એકની એક વાત, જુદી જુદી રીતે આલેખાયેલી જોઈને દ્વિધામાં પડી જાય છે કે ગેરસમજનો ભોગ બને છે. આ માટે પત્રસંચાલકોએ સ્વીકારેલી નીતિ જેટલી જવાબદાર છે એટલા જ વૃત્તાંતનિવેદકો પણ જવાબદાર છે.
જોકે, એ વાત સાચી કે વૃત્તાંતનિવેદનની શૈલી અને રજૂઆત અંગેની કલા છેલ્લા ત્રણ દાયકાથી ખીલી છે. વૃત્તાંતનિવેદનને પણ સાહિત્યિક સ્પર્શ આપવાનો પ્રયાસ કોઈ કોઈ અખબારમાં જોવા મળે છે. વૃત્તાંતનિવેદનને સાહિત્યિક સ્પર્શ મળતાં સમાચાર આકર્ષક બની જાય છે, વાચકના હૃદયમાં સંવેદના પ્રગટાવી જાય છે. અનુભવે મેં જોયું છે કે પત્રકાર સાહિત્યના રંગથી રંગાયેલો હોય, પત્રકારની સાથે સાથે એ સાહિત્યકાર પણ હોય તો એ પત્રકારત્વનો – એના લેખનનો રંગ ઑર જ હોય છે. એવા વૃત્તાંતનિવેદકે લખેલા સમાચાર કે લેખ પ્રજાના હૈયામાં સીધા જ આરપાર ઊતરી જાય છે અને ધારી અસર ઊભી કરે છે. અગાઉ વૃત્તાંતનિવેદનમાં લખેલા હેવાલ સીધા, સરળ, કોઈ પણ રંગરોગાન વિનાના, કે કલ્પનાના સ્પર્શ વગરના લાગતા હતા, એ અહેવાલો માત્ર અહેવાલો જ હતા, માહિતી જ હતી; એટલે એમાં શુષ્કતા જણાતી હતી; પણ આજના સાંપ્રત અખબારો જોઈશું તો એમાં વૃત્તાંતનિવેદનની કલા ખીલતી જોવા મળે છે, વૈવિધ્ય જોવા મળે છે, લાલિત્ય જોવા મળે છે.
શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ એ બધાંનો વિકાસ થતો જાય છે, એમ એમ સમાજજીવન અને જાહેર જીવનમાં પણ અનેકવિધ દિશાઓ ઊઘડે છે. પ્રવૃત્તિઓ ધબકે છે, ઘટનાઓ બને છે. એમ એમ વૃત્તાંતનિવેદનનું ક્ષેત્ર પણ વિસ્તરતું જાય છે. અને એ રીતે વૃત્તાંતનિવેદનની કામગીરીના પણ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે, જેમ કે પોલીસ-કોર્ટનું રિપોર્ટિંગ, રાજકીય પક્ષોનું રિપોર્ટિંગ, શિક્ષણ સંસ્થાઓનું રિપોર્ટિંગ, મજૂર પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રનું રિપોર્ટિંગ, સરકારી કચેરીઓનું રિપોર્ટિંગ, સાંસ્કૃતિક અને કલાની પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ વગેરે વગેરે.
આ કામગીરી દરેક વૃત્તાંતનિવેદકને એના અભ્યાસ, રસ અને રુચિ મુજબ વહેંચાયેલી હોય છે તો એમાં સફળતા સારી મળે છે. પોતાના અંગત રસ અને અંગત અભિગમ જે વિષયમાં હોય એમાં એ વધુ સફળ બને છે. પણ આજકાલ કેટલાંક અખબારોમાં ગમે એ વૃત્તાંતનિવેદકને ગમે એ કામગીરી સોંપાય છે ત્યારે એના અહેવાલોમાં અસરકારકતા જોવા મળતી નથી, જીવંતપણું જોવા મળતું નથી.