________________
૪૪ D ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
છે અને ત્યારે અવનવા અને તરેહ-તરેહના બનાવોનું પ્રમાણ પણ વધતું જાય છે. એ સ્થિતિમાં સમાચાર એ માણસ-માણસને એકબીજા સાથે જોડવાનો એક સેતુ બની જાય છે. દુનિયાના કોઈ એક ખૂણે બનેલી ઘટના, દુનિયાના બીજા ખૂણે સંવેદના ઊભી કરી જાય છે, અને પરિણામે વૃત્તાંતનિવેદનનું ફલક પણ હવે વિસ્તરતું જાય છે, ભવિષ્યમાં પણ એનો વ્યાપ અને એનું મહત્ત્વ વધતાં જ રહેવાનાં છે.
એટલે જ, કોઈ પણ પત્રનું અનિવાર્ય અંગ એનો વૃત્તાંતનિવેદક હોય છે. એક કાળે જેમ, કવિઓ જન્મજાત હોવાનો દાવો કરવામાં આવતો હતો, એમ એવું પણ કહેવાતું કે પત્રકાર બનતો નથી, જન્મતો હોય છે. એમાં અંશતઃ સત્ય રહેલું છે એની ના પાડી શકાય નહીં. પહેલી વાત તો એ છે કે પત્રકારમાં પત્રકારત્વ માટેની અંદરની રુચિ હોવી જોઈએ, અંત૨નો ૨સ હોવો જોઈએ, એના લોહીમાં અભિરુચિ ઊતરવી જોઈએ; આ રસરુચિની સાથે જરૂરી તાલીમનો સમન્વય આવશ્યક છે. જન્મજાત કહેવાતા વૃત્તાંતનિવેદકે પણ અખબારી સંદર્ભમાં આવશ્યક તાલીમ મેળવેલી હોય તો એ વૃત્તાંતનિવેદક, સફળ વૃત્તાંતનિવેદક બની શકે છે. સફળ વૃત્તાંતનિવેદક થવા માટે જિજ્ઞાસાવૃત્તિ, કુતૂહલવૃત્તિ, સાહસિકતા, સભાનતા, નીડરતા, નિ:સંકોચપણું, આત્મશ્રદ્ધા વગેરે ગુણો તો જરૂરી છે જ; સાથે સાથે ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ, સંવેદનશીલ અને ધારદાર કલમ હોવી જોઈએ. સમાચારનું ડ્રાફ્ટિંગ આકર્ષક અને અસરકારક હોવું જોઈએ, શૈલી અને રજૂઆતમાં પણ વૃત્તાંતનિવેદકની પોતાની આગવી વિશેષતા હોવી જોઈએ. કઈ ઘટનાને સમાચાર કહી શકાય, અને એ ઘટનાને કેવો ઘાટ આપી, કેવા સ્વરૂપમાં અખબારમાં ચમકાવી શકાય એ બધી કળાઓ પણ કુશળ વૃત્તાંતનિવેદકમાં હોવી જોઈએ. કોઈ પણ જગાએથી સમાચારની ગંધ પારખી લેવાનો ગુણ – અને સમાચા૨નું પગેરું મેળવી સમાચારને શોધી કાઢવાનો કસબ પણ વૃત્તાંતનિવેદક પાસે હોવો જોઈએ. ઘટનાઓ તો ચોપાસ બનતી જ હોય છે, પણ એમાંની કઈ ઘટના સમાચાર બની શકે, એ પારખી કાઢવાની શક્તિને જ અંગ્રેજીમાં ‘નોઝ ફૉર ધી ન્યૂઝ’ કહે છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી, ખાસ કરીને ૧૯૫૪-૫૫ પછી, રાજકારણ અને સમાજજીવનમાં નવાં નવાં પરિવર્તનો ઊભાં થવા માંડ્યાં. કેટલાક સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધોરણો પર પણ એની અસર થવા માંડી, એમ પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદકની રીતિ-નીતિ, રૂપ-રંગ અને રંગઢંગમાં પણ પરિવર્તન થવા માંડ્યું. મોટા ભાગનાં અખબારોએ તટસ્થતા, સમતોલપણું અને સ્વાસ્થતા ગુમાવવા માંડી અને અગાઉ અખબારો ચોક્કસ પ્રકારના ઉમદા ‘મિશન’ને નજરમાં રાખીને ચાલતાં હતાં, એ ‘કૉમર્શિયલ’ બનતાં ગયાં. રિપૉર્ટિંગની કામગીરીમાં પણ પોતાને ગમતી-ન ગમતી રીતે સમાચારોને ‘મચડવાની’ એક પદ્ધતિ-સ્ટાઇલ શરૂ થઈ. રાજકારણની ઘટના હોય કે કોઈ સામાજિક ઘટના હોય, પણ પોતાની અંગત રુચિ કે અંગત ખ્યાલો મુજબ એને ઘાટ આપવાનું શરૂ થયું. રાજકારણમાં પણ ચોક્કસ નિશાનને નજ૨માં