________________
૬
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન
જ્યવદન પટેલ
n
આજનો આપણો યુગ અખબાર યુગ છે, અખબાર છેક દૂર-દૂરનાં ગામડાં સુધી પહોંચી ગયું છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતો જાય છે, એમ એમ અખબારનો વિસ્તાર અને એની અસર પણ વધતાં જ જાય છે. અખબારે એનું સામર્થ્ય અને એની તાકાત સિદ્ધ કરી બતાવેલાં હોઈ, એ સત્તાના ચોથા સ્તંભનું બિરુદ પામેલ છે. સ્વાતંત્ર્ય પૂર્વેના કાળમાં અને સ્વાતંત્ર્ય પછીના સમયમાં અખબાર એની શક્તિનો પરચો એની પોતાની રીતે આપતું જ રહ્યું છે. લોકમત ઘડવાની દિશામાં કે લોકઅવાજ ઊભો કરવાની બાબતમાં અખબાર એક અસરકારક અને પ્રબળ માધ્યમ પુરવાર થયું છે.
સમાચાર અથવા તો વૃત્તાંત એ કોઈ પણ પત્રનું – કોઈ પણ અખબારનું ફેફરું છે, સમાચાર એ અખબારનો પ્રાણવાયુ છે. સમાચારના પાયા પર અખબારની બાંધણી થાય છે, એની સધ્ધરતા ઊભી થાય છે. આજનું અખબાર સમાચારો સિવાય પણ ઘણું બધું આપે છે, પણ સમાચાર એ એનું અનિવાર્ય અંગ છે. સમાચાર વિભાગ નબળો હોય તો એ અખબારનું એક મહત્ત્વનું અંગ લકવાનો ભોગ બની ગયું છે, એમ કહીએ તો ખોટું નથી. સમાચાર વિભાગ જેટલો સમૃદ્ધ એટલું અખબાર સમૃદ્ધ. સમાચાર વિભાગ જેટલો તટસ્થ અને તંદુરસ્ત એટલું અખબાર શક્તિશાળી. કારણ કે અખબારનું પ્રધાન કાર્ય તો લોકોને સમાચાર પૂરા પાડવાનું છે. સમાચાર અથવા વૃત્ત એ જ એનો પ્રધાન હેતુ છે. એટલે કોઈ પણ અખબારમાં વૃત્તાંતનિવેદકની કામગીરી પાયાની કામગીરી ગણાય છે.
કોઈ પણ અખબારના પાયારૂપ સમાચારની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હોય તો એમ કહી શકાય કે, ક્યાંક પણ બનેલા મહત્ત્વના તાજા બનાવનો ચોક્કસ અને પૂર્વગ્રહથી મુક્ત એવો અહેવાલ કે જે વાંચવાને, જાણવાને લોકો ઉત્સુક હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે ઘટના બની છે, અથવા કોઈ પણ ક્ષેત્રે કોઈ બનાવ બન્યો હોય એ અંગેની ચોક્કસ, સંપૂર્ણ, તટસ્થ અને તાજી સમયસરની માહિતી એ
સમાચાર.
આજે દિશા અને કાળનાં અંતર ઘટ્યાં છે. માનવી એકંબીજાની વધુ નજીક આવ્યો છે; દૂર દૂરનાં, દેશ-દેશનાં હિતો અને પ્રશ્નો પણ હવે તો એક બીજા સાથે ગૂંથાતાં જાય છે; એટલે જુદા જુદા દેશ, જુદા જુદા સમાજો એકબીજા સાથે ૨સ લેતા થયા છે. રાજકીય જાગૃતિ અને સભાનતા પણ પ્રગટી છે. રાજકારણ માણસના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. વસ્તી વધતી જાય છે, વિજ્ઞાન વિકસતું જાય