________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ m ૩૫ રમૂજી શૈલીમાં પ્રસિદ્ધ થતી હતી. તદુપરાંત, ‘ગુજરાતી'માં શ્રી ખરશેદજીની ‘ભર કટોરા રંગ’; ‘સાંજ' અને ‘ગુજરાતી-પંચ’માં ‘બિરબલ'ના નામે; ‘જામે જમશેદ’ અને ‘કયસરે હિંદ’માં ‘ચલણી રૂપિયા’ના નામે; ‘મુંબઈ સમાચાર’માં ‘ઉઘાડા છોગે’; ‘હિન્દુસ્તાન’માં શ્રી મસ્તફકીર અને ‘ફૂલછાબ'માં શ્રી ગુણવંતરાય આચાર્યની ‘હું, બાવો અને મંગળદાસ'ની કટાક્ષકૉલમો પ્રસિદ્ધ થતી હતી. કલાગુરુ શ્રી રવિશંકર રાવળનાં સામાજિક ઠઠ્ઠાચિત્રો ‘વીસમી સદી’ અને ‘કુમાર’માં તો શ્રી બંસીલાલ વર્મા(ચકો૨)નાં રાજકીય કાર્ટૂનો ‘નવ સૌરાષ્ટ્ર', ‘રેખા’ અને ‘પ્રજાબંધુ'માં પ્રસિદ્ધ થતાં હતાં.
સ્વતંત્રતા પૂર્વેના પત્રકારત્વ પર આપણે ઊડતી નજર નાંખી. સ્વતંત્રતા બાદ સમાચા૨-પત્રો પર સત્તા અને સંપત્તિનો પ્રભાવ વધ્યો છે. શિક્ષણ-પ્રસારને કારણે નકલોનો ફેલાવો કૂદકે અને ભૂસકે વધે છે. ટેક્નોલૉજીના વિકાસના ફળસ્વરૂપ ઑફસેટ અને ફોટો-કંપોઝને પરિણામે વર્તમનપત્રોના રૂપરંગમાં પરિવર્તન આવ્યું છે. પરંતુ મૂળ સવાલ એ થાય છે કે ગુણવત્તાની દૃષ્ટિએ પત્રકારત્વના સત્ત્વમાં સુધારો થયો છે ખરો ? ૧૯૫૦માં ‘ગુજરાત સમાચાર' એના ખાનપુરના નવા મકાનમાં આવ્યું ત્યારે મુ. શ્રી ઉમાશંકર જોશીની લીધેલી મુલાકાતમાં અમે એક પ્રશ્ન પૂછ્યો હતો, ‘ગુજરાતી વર્તમાનપત્રથી તમને સંતોષ થાય છે ખરો ?’ એમનો ઉત્તર કંઈક આ પ્રમાણે હતો, ‘અંગ્રેજી છાપું વાંચવાની આવશ્યકતા ન રહે એવું ગુજરાતી વર્તમાનપત્ર નીકળે ત્યારે સંતોષ થાય.'
આ સંદર્ભમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈએ ઉચ્ચારેલા શબ્દો આજે પણ એટલા જ યથાર્થ છે. એમણે કહ્યું હતું કે “વર્તમાનપત્રો એ ધંધો બની શકે છે. કમાવાનું સાધન અને વેપાર થઈ શકે છે, અને થયાં છે. છતાં વર્તમાનપત્રો પાણીના નળની જેમ, સુધરાઈખાતાની જેમ, ટપાલખાતાની જેમ લોકસેવાનું અમૂલ્ય સાધન થઈ શકે છે. એ કમાવાનું સાધન માત્ર બને છે ત્યારે એ નખ્ખોદ વાળે છે. પરંતુ પોતાનો ખર્ચ કાઢતાં કાઢતાં એ સેવાનું સાધન બને છે, ત્યારે એ લોકજીવનનું આવશ્યક અંગ બને છે.”