________________
૫
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ
યાસીન દલાલ
ભારતીય પત્રકારત્વમાં ગુજરાતી પત્રકારત્વનું પોતાનું એક આગવું સ્થાન રહ્યું છે. જેમ ગુજરાતે દેશને ઘણી બાબતોમાં દોરવણી આપી છે. એમ ગુજરાતી પત્રકારત્વે પણ દેશના પત્રકારત્વમાં ઘણી નવી કડીઓ કંડારી છે. ગુજરાતી પત્રકારત્વ પાસે ગૌરવ લઈ શકાય એવી ઘણી વસ્તુઓ છે. દેશનું જૂનામાં જૂનું અખબાર “મુંબઈ સમાચાર' ગુજરાતી ભાષામાં પ્રગટ થાય છે. ભારતમાં અખબારોના પ્રારંભકાળમાં પ્રાદેશિક ભાષાઓની બાબતમાં બંગાળીની સાથે ગુજરાતીમાં અખબારો પ્રગટ થયેલાં.
આઝાદી સંગ્રામમાં ગુજરાતી અખબારોએ આપેલો ફાળો નોંધપાત્ર રહ્યો છે. પશ્ચિમ ભારતમાં આઝાદીની લડતને મુખ્ય ટેકો પ્રાદેશિક અખબારોનો મળ્યો હતો. અને એમાં પણ ગુજરાતી અખબારોની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. સ્વ. અમૃતલાલ શેઠ અને સામળદાસ ગાંધી જેવા એ સમયના મહાન પત્રકારોએ આઝાદીની લડતમાં સર્વસ્વ હોમી દીધું હતું અને અનેક યાતનાઓ વેઠીને વર્તમાનપત્રો ચલાવ્યાં હતાં. એ સમયે, “જન્મભૂમિ' અને ‘વંદેમાતરમ્' જેવા અખબારોએ ઇતિહાસ સર્જેલો.
આ જ રીતે, સૌરાષ્ટ્રમાં કેટલાંક રજવાડી રાજ્યોમાં થતા અન્યાયોની સામે અવાજ ઉઠાવવાની બાબતમાં અખબારોએ અગ્ર ભાગ ભજવેલો એ જાણીતી હકીકત છે. અન્યાયી રાજવીઓની સામે એ સમયના પત્રકારત્વે પ્રબળ લોકમત ઊભો કરેલો અને ભૂગર્ભ પ્રવૃત્તિ પણ ચલાવેલી. | ગુજરાતી અખબારોના ફેલાવાએ છેલ્લા દોઢબે દાયકામાં એક ચોક્કસ ગતિ પકડી છે. એ.બી.સી.ના અહેવાલ મુજબ ૧૯૭૫માં ગુજરાતી દૈનિકોનો કુલ ફેલાવો ૫,૯૩,૮૯૫ હતો, એ વધીને ૧૯૭૮માં ૭,૧૧,૮૮૩ સુધી પહોંચ્યો હતો. આમ ગુજરાતી પત્રોના ફેલાવામાં ત્રણ વર્ષના ગાળામાં લગભગ વીસેક ટકા જેટલો વધારો નોંધાયો. આ ગાળામાં જ કેટલાંક દૈનિકોએ તો પોતાના ફેલાવામાં પચાસ ટકાથી પણ વધુ પ્રગતિ કરી છે. આમ છતાં, ગુજરાતની લગભગ ચાર કરોડની વસ્તી જોતાં આ આંકડો જો કે વિક્રમજનક નથી જ, છતાં એનાથી એટલું તો સિદ્ધ થાય છે કે ગુજરાતી પત્રકારત્વ આજે વિકાસના નવા તબક્કામાં પ્રવેશ્ય છે. આજે ગુજરાત સમાચાર'નો અધિકૃત ફેલાવો સાત લાખ નકલોનો છે. - રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સના ૧૯૭રના અહેવાલ મુજબ ગુજરાતી ભાષામાં ત્યારે કુલ ૩૫ દૈનિકો પ્રસિદ્ધ થતાં હતાં. આ ઉપરાંત ૧૪૧ સાપ્તાહિકો હતાં.