________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ [ ૩૩
કરવામાં શરમ નહોતી.
એવી જ રીતે “સમી સાંજ”ના પ્રથમ અંકમાં એના અગ્રલેખમાં શ્રી ફિરોજશા મર્ઝબાને લખ્યું છે કે “મર્યાદાભરી ચૂપકીદી મને રુચતી નથી. કોણીને બદલે ઠોંસો મારવો અને એક અપમાનને બદલે ચાર ગાળ દઈને ઊભા રહેવું એ મારો ઠરાવ છે.” અંગત આક્ષેપબાજીની આ પ્રણાલિકા હજીય ક્યારેક જોવા મળે છે.
ભાષા-ઘડતરમાં ફાળો ગુજરાતી પત્રકારત્વના આરંભકાળમાં પારસીઓનો ફાળો હોવાથી તત્કાલીન પત્રોમાં પારસી-ગુજરાતી જોવા મળે છે. આજે જે “મુમબઈ સમાચાર” છે એનું અસલ નામ “શ્રી મુંબઈના સમાચાર” હતું. તત્કાલીન સમયના શિક્ષિતોના એક ચોપાનિયાનું નામ “ગનેઆન પરસારક” (જ્ઞાન પ્રસારક) હતું. તત્કાલીન પારસી ગુજરાતી ભાષાનો એક નમૂનો જોઈએ : “લેજીશલેટીવ કાઉશલ બેઠી હતી તે વેળાએ એક બીલ મીશતર લીજેટે રજુ કરીઉ હતું તે ઉપરથી તેવું જોવામાં આવે છે કે વેરથી મુંબઈ અને છાશતી ખાતે જે પાણી લાવવાનું કામ ચાલે છે તેની ઉપર ૩પ લાખ રૂ નો ખરચ થાઈ ચૂક્યો હતો.” આમ પારસીઓ બોલતા એવી જ ભાષામાં સમાચારો પ્રસિદ્ધ થતા હતા. આવી ઢંગધડા વિનાની, જોડાક્ષર વિનાની, ચિત્ર-વિચિત્ર વાક્યરચનાઓમાં અશુદ્ધ ગુજરાતી ભાષા જોવા મળતી. વળી, પારસીઓને કારણે ફારસી શબ્દોનો છૂટથી ઉપયોગ થતો હતો. તેથી ઘણા ફારસી શબ્દો ગુજરાતીમાં પ્રચલિત થઈ ગયા છે. ઉદાહરણ તરીકે : અખબાર, અહેવાલ, કામિયાબ, આઝાદ, જંગ, બંદોબસ્ત. આમ આરંભકાળનું પારસી-ગુજરાતી આજે આપણને કઠે એવું છે.
“રાસ્ત ગોફતારે” ભાષાશુદ્ધિનો પ્રયાસ કર્યો તો અર્વાચીન ગુજરાતી ગદ્યના પિતા વીર નર્મદે એને મઠારીને ભાષાનું શુદ્ધીકરણ કર્યું. શ્રી ઇચ્છારામ દેસાઈએ તેમનાં પત્રોમાં ભાષાશુદ્ધિનો આગ્રહ રાખ્યો એટલું જ નહીં, પણ વિચારોને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરવા, વિચાર બદલાય ત્યાં ફકરાઓ પાડવા, યોગ્ય શીર્ષક મૂકવાં, પત્રને ઉઠાવ મળે તે રીતે એની ગોઠવણી કરવી વગેરેમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય એ તો સહેજે સમજી શકાય, પરંતુ પ્રિન્સેસ સ્ટ્રીટ'નું કોઈએ રાણીની શેરી ગુજરાતી કર્યું હતું એમ તે વખતે “ધી ઇકોનોમિસ્ટ' અખબાર માટે કરકસર' અખબાર એવો શબ્દપ્રયોગ થયો હતો.
શ્રી ઇચ્છારામ દેસાઈએ સંસ્કૃત શબ્દોનો વપરાશ વધાર્યો. શ્રી અમૃતલાલ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને શ્રી કકલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્રની જન-જાગૃતિ માટે અખબારો શરૂ કરતાં ત્યાંની વેગીલી અને જુસ્સાદાર ભાષા, શબ્દોની રમત