________________
૩૨ I ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
મગનભાઈ દેસાઈએ કહ્યું હતું કે “આવા બહોળા વ્યવસાય માટે ધન જોઈએ, તેથી ધનપતિ એમાં પડે છે. એની નીતિ ૫૨ હકૂમત મેળવે છે. એ હકૂમત એમના સ્વાર્થની મૂળ બાબતથી આગળ એઓ વાપરતા નથી. એમને એ સમજવું પડશે કે પત્રની પ્રતિષ્ઠાને આંચ તો ન જ આવવી જોઈએ.” સાક્ષરશ્રી આચાર્ય આનંદશંકર ધ્રુવે પણ ધનના ઢગલા નીચે સત્ય દબાઈ ન જ એની ચેતવણી આપી હતી. સાહિત્ય પરિષદના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી શ્રી મહાદેવભાઈ દેસાઈએ “સત્યનિષ્ઠા”ને પત્રકારના પ્રથમ ધર્મ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે “સમાચાર એ પવિત્ર વસ્તુ છે. એને બદલીને કે મચડીને કે એમાં વધઘટ કરીને એને ભ્રષ્ટ કરવાનો કોઈને અધિકાર નથી.”
આમ આરંભકાળમાં સામાજિક બાબતોને મહત્ત્વ આપતું ગુજરાતી પત્રકારત્વ રાજકીય જાગૃતિ આવતાં રાજકારણના પ્રશ્નોમાં રસ લેતું થયું. છતાં એક નોંધવા જેવી બાબત એ છે કે, ઇંગ્લૅન્ડમાં અંધશ્રદ્ધા, કુરિવાજો સામેની જેહાદમાંથી પત્રકારત્વનો ઉદ્ભવ થયો. જ્યારે ગુજરાતમાં વર્તમાનપત્રોનો ઉદ્ભવ થયા બાદ એનો ઉપયોગ સુધારકો સામે થયો. સામાજિક સુધારાઓના સમર્થકો અને વિરોધીઓ એમ બે ભાગમાં પત્રકારત્વ વહેંચાઈ ગયું. એમાંય વિચિત્રતા એ હતી કે સામાજિક સુધારાઓને ટેકો આપતાં “રાસ્ત ગોફતાર” કે “સત્ય પ્રકાશ”ના રાજકીય વિચારો સંકુચિત હોઈ તેઓ બ્રિટિશ શાસનના ટેકેદાર હતા, જ્યારે “એમ. એ. બના કે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી” જેવી વાર્તાઓ પ્રસિદ્ધ કરી, સામાજિક સુધારાઓની હાંસી ઉડાવતા “ગુજરાતી”એ પ્રજાની રાજકીય આકાંક્ષાઓને પારખી હતી. ગાંધી-યુગનાં વર્તમાનપત્રો એક ડગ આગળ વધ્યાં. આ પત્રો અને એમાંય ખાસ કરીને ગાંધીજીનાં “નવજીવન” અને “હરિજન” પત્રોએ રાજકીય અને સામાજિક એ બંને ક્ષેત્રોમાં ક્રાન્તિકારી અને પ્રગતિશીલ વિચારો રજૂ કરીને આ દેશની જનતાને સ્વતંત્રતાના આંદોલન માટે જાગ્રત અને સજ્જ કરી.
અગાઉ જણાવ્યું એમ કેટલાક સુધારકો અને મહા૨થીઓ ગુજરાતી પત્રકારત્વ સાથે સક્રિય રીતે સંકળાયેલા હોવાથી પત્રકારત્વના એમના અભિગમ અને આદર્શ ઉચ્ચ કોટિના હતા, પરંતુ બધાં પત્રો એ કોટિમાં મૂકી શકાય એમ નથી. કેટલાક પત્રોના તંત્રીઓ અને લેખકો એકબીજા સામે આક્ષેપો અને અંગત ટીકાઓ કરતા કે એકબીજાના કુટુંબની ખાનગી વાતો જાહેરમાં મૂકતાં સંકોચ અનુભવતા નહીં. એકબીજાને હલકા પાડવાની કે ગાલિપ્રદાન કરવાની એમની મનોવૃત્તિ હતી. ઉદાહરણ તરીકે “મુંબઈના ચાબુક” નામનું પત્ર એના વિરોધીઓ સામે ઝેરી પ્રચાર કરતાં બીભત્સતામાં ઊતરી પડતું હતું. “મુમબઈ શમશેરે કેઆની” નામના પત્રને મા-બહેન સામે ગાલિપ્રદાન