________________
આજનો યક્ષપ્રશ્ન : અખબારી સ્વાતંત્ર્ય ૨૫
તો ફેરફાર લાવવાનો ઉપાય કરવાની સમાજના આગેવાનોને સુગમતા થાય. નેતાએ આ વાત સ્વીકારે તો જ અખબાર લોકશાહીમાં સારી સેવા કરી શકે. ' અખબારની નજર સામે રહેલા આવા ગંભીર ઉદ્દેશની પરિપૂર્ણતા માટે મેં પ્રેસ કમિશન સમક્ષ લેખિત સૂચન રજૂ કર્યું હતું કે રાષ્ટ્રિય વિકાસ અને સામાજિક સેવાના ધ્યેયમાં અખબારોને ઉચિત રીતે જોતરવાં હોય તો એમને સામાજિક સેવ સંસ્થાઓનો દરજ્જો બક્ષી એનો વહીવટ ચોક્કસ ધ્યેય ધરાવતાં ટ્રસ્ટોના હાથમાં સોંપવો જોઈએ. પ્રાઇવેટ કે પબ્લિક કંપનીઓ કે માલિકોની પકડમાંથી અખબારોને મુક્ત કરી મહાત્મા ગાંધીની ટ્રસ્ટીપણાની ભાવનાને ત્યાં અમલી બનાવવી જોઈએ, અને અખબારોને જૂથો રચવા દેવાને બદલે એને એક એક એકમ રૂપે એમની સ્વતંત્ર અલગ વ્યક્તિમત્તા સાથે પાંગરવા દેવાં જોઈએ. બંધારણથી આ નવું સ્વરૂપ ન અપાય ત્યાં સુધી એકલદોકલ અંગત રીતે આવા વિચારો ધરાવે અને અમલ કરવા માગે તોપણ એ કારગત નીવડે નહીં.
પોતાનું સ્વાતંત્ર્ય જેની પાસેથી અખબારો હાંસલ કરે છે એ પ્રજા પાસે પ્રત્યક્ષ રૂપે, નિયમિત રૂપે, સમૃદ્ધ અને સભર રૂપે પહોંચવા માટે અખબારોના કિંમતવધારાને નીચો આણવા સરકારે સીધી કે આડકતરી વગ ન થઈ શકે એવી જોગવાઈ સાથે સબસીડી દ્વારા સીધી સહાય કરવી જોઈએ. સસ્તુ બન્યા વિના અખબાર એકેએક વ્યક્તિના હાથમાં પહોંચવાનું નથી અને સામાજિક પરિવર્તનના ઉત્તમોત્તમ સાધન સમું અખબાર સમાજના આખરી આદમી લગી ન પહોંચે ત્યાં લગી અખબાર પાસે રાખવામાં આવતી અપેક્ષાઓ ફળીભૂત થવાની નથી.
અખબારોને એનો છાપવાનો કાગળ મેળવી આપવામાં, જરૂરી સાધનસામગ્રી વાજબી દરે સંપડાવવામાં, અંગ્રેજી અને પ્રાંતીય ભાષાઓ વચ્ચે જાહેરાતોમાં કશો ભેદ રાખ્યા વિના એને જાહેરાતનો પુરવઠો પૂરો પાડવામાં જો જવાબદાર તંત્ર ઊંડો રસ લે તો જ અખબારો આપણે જેની આરંભમાં વાત કરી એવી પ્રજા પ્રત્યેની નૈતિક જવાબદારી પૂરી કરવા શક્તિમાન થાય, અન્યથા એવી બધી વાતો સાવ હવાઈ જ બની રહેવાની.