________________
૨૪
| સાહિત્ય અને પત્રકારત્વ
ભારતના રાજ્યબંધારણની કલમ ૧૯(૧)(એ) અને (જી) અનુસાર ભારતના પ્રત્યેક નાગરિકને મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ તમામ વ્યક્તિઓ કે બધાં ક્ષેત્રોની જેમ પત્રકાર કે પ્રેસને મળે છે.
બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્રની જોગવાઈ છે, અખબારોના સ્વાતંત્ર્યની જોગવાઈનો કોઈ અલાયદો ઉલ્લેખ એમાં નથી. અખબારોની સ્વતંત્રતા તો પ્રજાને સાંપડેલ વ્યાપક સ્વાતંત્ર્યમાંથી જ ઉદ્દભવે છે.
આ સીધોસાદો લાગતો મુદ્દો ઘણો ગંભીર છે. એક તરફ અખબારના સ્વાતંત્રને માટે કોઈ અલગ જોગવાઈ નથી. એની સામેની તમામ કાર્યવાહી એને એક ઉદ્યોગ ગણીને જ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ પ્રજાઘડતરના એક મહત્ત્વના અને ખૂબ અસરકારક એવા માધ્યમ તરીકે એની પાસે ઘણી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે, એની પર ઘણી ઘણી જવાબદારીઓ લાદવામાં આવે છે.
આ એક વરવો વિસંવાદ છે. જો અખબાર બીજા ઉદ્યોગો જેવો હોય તો પછી વિશિષ્ટ એવી પ્રજાકીય જવાબદારીઓની અપેક્ષા એની પાસે શી રીતે રખાય ? બીજા ઉદ્યોગોની જેમ એ છાપું ઉત્પન્ન કરે અને વેચે અને એ વેચાણ દ્વારા વધુ ને વધુ સમૃદ્ધ થવા મથે, એ સ્વાભાવિક લેખાવું જોઈએ. પણ એમ થતું નથી. અખબારોને ઉદ્યોગ ગણવા છતાં એની પાસે અપેક્ષાઓ એક સંનિષ્ઠ સામાજિક સેવા સંસ્થા જેવી અને જેટલી જ રાખવામાં આવે છે ! આ વિસંવાદ દૂર કરવાનો પ્રયાસ થવો જોઈએ.
આ વિસંવાદ તરફ ધ્યાન દોરું છું, ત્યારે અખબારને કેવળ ઉદ્યોગ ગણવાની મારી હિમાયત નથી. આપણા તમામ ગંભીર વિચારકોની સાથે સંમત થઈને હું અખબારની સામાજિક જવાબદારીઓનો અલબત્ત સ્વીકાર કરું છું, પણ મારો વિરોધ એટલો જ છે કે બીજાઓ પણ – સરકાર કે વહીવટી તંત્ર પણ – અખબારને એના એ જ સ્વરૂપે ઓળખે અને મૂલવે. એને બીજા ઉદ્યોગોની તોલે ગણી એના અતિ સંવેદનશીલ સ્વરૂપને રૂંધવા-ડામવાનો પ્રયત્ન કોઈ ન કરે.
ફરી પાછો હું મૂળ વાતનો દોર સાંધું છું, કે અખબારો જે સ્વાતંત્ર્ય આપણા દેશમાં ભોગવે છે એ પ્રજાના વિશ્વાસને કારણે છે અને પ્રજાની વતીનું છે. અને એટલે અખબારની પહેલી અને છેલ્લી ફરજ પોતાના વાચક પ્રત્યે અને એ દ્વારા પોતાને સ્વાતંત્ર્ય બક્ષનાર સમગ્ર પ્રજા પ્રત્યે છે.
લોકોની ઇચ્છા-અનિચ્છાને પ્રગટ કરવાનું વાહન બનવા સાથે, સમાજની પરિસ્થિતિને યથાવત્ બતાવતી સ્વચ્છ આરસી બની રહેવાનું કાર્ય જો અખબારો બજાવે તો એ આરસીમાં પરિસ્થિતિનું પ્રતિબિંબ જોવાની અને એ ચિત્રમાં જરૂર હોય