________________
આજનો યક્ષપ્રશ્ન: અખબારી સ્વાતંત્ર્ય | ૨૩ આક્ષેપોનું અખબારે પ્રસારણ કરવું ન જોઈએ. ગુનાઓ અને દુર્ગુણોની વિગતો વિષે જિજ્ઞાસા જાગે એવો માંદલો રસ અખબારે પેદા કરવો ન જોઈએ. ( પત્રકાર પોતાના અહેવાલો માટે જાહેર જનતાને જવાબદાર લેખાવો જોઈએ અને અખબારો વિષેની પોતાની ફરિયાદોને વાચા આપવા પ્રજાને પ્રોત્સાહિત કરવી જોઈએ. વાચકો સાથે નિખાલસ એવો સીધેસીધો સંપર્ક પેદા થવો જોઈએ. કોઈ ખાસ રસ પ્રત્યેના ઉપકારભાવથી પત્રકારોએ પોતાની જાતને મુક્ત રાખવી જોઈએ અને કેવળ પ્રજાના સમાચાર જાણવાના હક્કની મર્યાદા જ સ્વીશ્વરવી જોઈએ.
પોતાના વ્યવસાયની બહારથી કે સમાચાર પૂરા પાડનાર સાધનો પાસેથી કોઈ લાભ પત્રકારે સ્વીકારવો જોઈએ નહીં. અહેવાલો પ્રાપ્ત કરવા માટે થતો ખર્ચ અખબાર તરફથી એમને મળવો જોઈએ. પત્રકારોએ પ્રસિદ્ધિના તખ્તાથી હંમેશાં દૂર રહેવું જોઈએ. એમણે તો ઇતિહાસનો અહેવાલ આપવાનો છે, સ્વયં ઇતિહાસ રચવાનો નથી.
' અખબારના તંત્રવિભાગનો કોઈ પણ સભ્ય કોઈ પણ જાહેર હોદ્દો ધરાવતો હોવો ન જોઈએ. નાણાં લઈને કે નાણાં વગર પણ એણે કોઈ પણ રાજકારણી વ્યક્તિ કે રાજકીય સંગઠન કે પક્ષ માટે કામ કરવું જોઈએ નહીં.
પ્રજાના બધા જ વર્ગો તરફથી પત્રો, પત્રકારત્વ અને પત્રકાર પાસે જે આદર્શોની અપેક્ષા રખાય છે એ અગર આદર્શ પત્ર, પત્રકારત્વ અને પત્રકાર માટેની આચારસંહિતાના આદર્શોની આ વાત થઈ. હવે આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિમાં આવી આદર્શમય રીતે કામગીરી બજાવવાના પ્રયત્નમાં પ્રેસ અને પત્રકાર માટે પેદા થતા પડકારો જેમાંથી ઉદ્ભવે છે એવી એક મૂળભૂત ક્ષતિ-ઊણપની વાત અહીં રજૂ કરવાનું હું ખૂબ વાજબી ગણું છું.
પ્રેસ કમિશન સમક્ષ જ્યારે આ ગંભીર બાબતની મૌખિક રજૂઆત કરી ત્યારે એની ગંભીરતાને પ્રમાણી મારી પાસે એની લેખિત રજૂઆતની માગણી કરવામાં આવી હતી, જે કશાય ખચકાટ વગર મેં લેખિત પૂરી કરી હતી.
આજે અહીં એકત્ર સભાન સાહિત્યસમાજના ધ્યાન પર એ મુદ્દો હું એટલા માટે લાવવા ઇચ્છું છું કે વાસ્તવિકતામાં પ્રવર્તતા વિસંવાદનો એમને ખ્યાલ આવે અને એ વિસંવાદ દૂર કરવા જરૂરી એવી જનમતની જાગૃતિ ઊભી કરવામાં એ સૌનો પણ સહયોગ સાંપડી શકે.
મેં આરંભમાં, આચારસંહિતાના ઉલ્લેખમાં, અખબારી સ્વાતંત્ર્ય અંગે અછડતો ઉલ્લેખ કર્યો છે. એ બાબતે વધુ ઊંડા ઊતરી ગંભીર રીતે વિચારવું ખૂબ જરૂરી છે, અને એ દિશામાં જ મારો આ નિર્દેશ છે.