________________
૨૬
n સાહિત્ય અને પત્રકારત્વ
આપણાં વર્તમાનપત્રોમાં સૌથી વધુ અવકાશ, શ્રેષ્ઠ સ્થાન રાજકારણને આપવામાં આવે છે; હવે જ્યાં સુધી ભારત સ્વતંત્ર ન હતું, ત્યાં સુધી આમ કરવામાં કંઈ અર્થ ન હતો પણ હવે રાજકારણને અન્ય વિષયોને મળે છે તેટલું જ મહત્ત્વ અપાય એ ઇચ્છવાજોગ છે. રાજકારણ સિવાય બીજા પણ વિષયોમાં આપણે રસ લેતા થવું જોઈએ. આપણે અભિપ્રાય કેળવવો જોઈએ, સામાજિક જાગૃતિ લાવવી જોઈએ, કર્તવ્યભાન કરાવવું જોઈએ. પણ આ તરફ હજી પ્રયાણ થયેલું ખાસ જણાતું નથી.
આપણી ભાષાનાં વર્તમાનપત્રો વિશે બોલતાં એમ પણ કહેવાનું મન થાય છે કે એઓ ભાષાશુદ્ધિ પર ધ્યાન આપે, દીર્ઘ-હ્રસ્વ પર દૃષ્ટિ ફેરવે, પરભાષાના શબ્દોના ઉચ્ચારો બરાબર ગ્રહણ કરે અને શબ્દશઃ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં, ભાવ અને અર્થ સમજાય એવાં જ ભાષાંતર કરે..... જેમ ઉદ્યાનમાં વધુ પુષ્પો અને વનમાં વધુ વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે, એમ જ ભાષામાં વિવિધ શબ્દો અને શબ્દપ્રયોગોથી સૌંદર્ય વધે છે. વર્તમાનપત્રો ભાષાને વિકસાવવામાં સારો ફાળો આપી શકે છે.
– મહેન્દ્ર ન. પંડ્યા
-
(ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૮મા અધિવેશનની કાર્યવાહીમાંથી)