________________
GU
આજનો યક્ષપ્રશ્નઃ અખબારી સ્વાતંત્ર્ય
- a ચીમનભાઈ પટેલ, સાહિત્યક્ષેત્રને કોઈ સીમાડા નથી એમ પત્રકારત્વક્ષેત્ર માટે પણ કહી શકાય. હું અહીં પત્રો, પત્રકારત્વ અને પત્રકારને સ્પર્શતી ખાસ એક-બે વાતો પર જ ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ, જેથી આજની કાર્યવાહીમાં એના પર ખાસ ચર્ચા થાય તો એ ઘણી ઉપકારક બની રહે.
ભારતના વર્તમાનપત્રના તંત્રીઓની સંસ્થા એડિટર્સ ગિલ્ડ ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવાં, લોકશાહી રસમમાં પત્રકારની જવાબદારી પ્રત્યે સભાન એવાં રાષ્ટ્રોમાં ચાલતી ચર્ચા-વિચારણાઓના નિષ્કર્ષનો ભારતના સંજોગોને અનુકૂળ એવી પોતાની વિચારણામાં સમાવેશ કરી પત્રકારને માર્ગદર્શક નીવડી રહે એવા આચારસંહિતાના કેટલાક આદર્શોનો મુસદ્દો તૈયાર કર્યો છે, જે એટલા માટે રજૂ કરું છું કે અખબારની રોજબરોજ વ્યવહાર પ્રક્રિયા જો ધોરણસરની ન બની રહેતી હોય તો પત્રકારત્વ વિશે સેવેલા સામાન્ય આદર્શો અર્થહીન બની જાય છે. અખબારની પહેલી અને છેલ્લી ફરજ પોતાના વાચક પ્રત્યે અને એ દ્વારા સમગ્ર પ્રજા પ્રત્યે છે. પ્રેસને પોતાની સત્તા હોવી એ એક વાત છે અને એનો ઉપયોગ કરવો એ બીજી વાત છે.
અખબારનું પાયાનું કામ સત્યની શોધ કરી એને પ્રજા સમક્ષ જાહેરમાં મૂકવાનું છે. સમાચારો મેળવીને એનું પ્રગટન કરવું અને એ અંગેના અભિપ્રાય ને અભિવ્યક્તિ આપવા પાછળનો આશય તો પ્રજાને પોતાના તત્કાલીન પ્રશ્નોથી વાકેફ કરી, એ અંગેના નિર્ણયો લેવા પ્રજાને સક્ષમ બનાવવાનો છે.
અખબારે સમાજજીવનમાં દરેક ક્ષેત્રના ટીકાકાર બનવાનું છે. અગ્રલેખ દ્વારા એણે અનિવાર્ય એવા સુધારાઓની કે પરિવર્તનોની પ્રજાના હિતાર્થે હિમાયત કરવાની છે. જાહેરમાં કે ખાનગીમાં થતો સત્તાનો દુરુપયોગ અગર ગેરવાજબી કૃત્યોને એણે પ્રકાશમાં આણવાનાં છે. જો સ્પષ્ટ કારણો મનાઈ ફરમાવતાં ન હોય તો સમાચારપ્રાપ્તિનાં સાધનોનો ઉલ્લેખ થવો જોઈએ. સાધનની ગુપ્તતા જાળવવાનું કોઈ કારણ હોય તો એ કારણનું સ્પષ્ટીકરણ થવું જોઈએ.
મહત્ત્વની બાબતો અંગે જાણવાનો પ્રજાનો હક્ક સર્વોપરી છે. જાહેર રીતે મળતી બેઠકો અને ખુલ્લા દસ્તાવેજો મારફતે સરકારના સમાચારો પ્રજા સુધી આણવા અખબારે બરાબર મથવું જોઈએ. અચોક્કસ અને ગેરમાર્ગે દોરનારાં જે નિવેદનો