________________
ર
પરસ્પર પૂરક પ્રવૃત્તિ D શ્રેયાંસ શાહ
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે વર્ષોથી એક પ્રગાઢ સંબંધ રહ્યો છે. સાહિત્યે પત્રકારત્વને ઘણી ભાષાસમૃદ્ધિ પૂરી પાડી છે, તો પત્રકારત્વે ઘણા સાહિત્યસર્જકોમાં સુષુપ્ત પડેલી સર્જનશક્તિને ખીલવી છે. સમાજના સંસ્કાર અને વિચારોનું ઘડતર કરનારાં આ બે પરિબળોની અલગતામાં અને એકતામાં એક વિશિષ્ટતા છે, કે બંનેની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર શબ્દ જ છે અને માટે જ સાહિત્યમાંથી પત્રકારત્વમાં અને પત્રકારત્વમાંથી સાહિત્યમાં સરકવાનું વારંવાર બનતું આવ્યું છે. તાજેતરમાં સાહિત્ય માટેનું પુલિત્ઝર પારિતોષિક મેળવનાર અમેરિકન નવલકથાકાર નોર્મન મેઈલરની એક હજાર પાનાંની નવલકથા આજે વિવાદાસ્પદ બની છે. દેહાંતદંડ પામેલા મનુષ્યની અને એના કુટુંબીજનોની રૂબરૂ મુલાકાત લઈને તૈયાર કરેલી દસ્તાવેજી કથા સાહિત્ય કહેવાય કે પછી પત્રકારત્વ, એવો ગૂંચવાડો સાહિત્યકારો અને પત્રકારો વચ્ચે ઉદ્ભવ્યો છે. તો આ તબક્કે બર્નાર્ડ શોનાં એ કથનનો સ્વીકાર કરવો રહ્યો કે, All Literature is Journalism.
વળી આપણે ત્યાં તો ઘણા પ્રસિદ્ધ સાહિત્યકારો વ્યવસાયે પત્રકાર હતા. અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ નવલકથાકાર ચાર્લ્સ ડીકન્સ પણ રિપોર્ટર હતા. થોમસ હાર્ડી, જ્યૉર્જ ઇલિયટ અને અમેરિકાના અર્નેસ્ટ હૅમિંગ્વેની નવલકથામાં, એમના સાહિત્યમાં, એમનું પત્રકારત્વ ક્યાંક ક્યાંક ડોકિયું કરતું હતું અને ક્યારેક માનવું પડતું હતું કે, એક જ માણસ બેવડી ભૂમિકામાં સાહિત્ય સાથે પત્રકારત્વને સફળ રીતે ન્યાય આપી રહ્યો છે. સાહિત્યનો સિક્કો મારવાથી કોઈ લખાણ ચિરંજીવી બની શકતું નથી અને પત્રકારત્વનો સિક્કો મારવાથી કોઈ લખાણ કચરાટોપલીમાં ચાલ્યું જતું નથી. લખાણમાં કેટલું જીવન છે, એના સર્જનમાં કેટલું કલાતત્ત્વ છે, એના પર એના ચિરંજીવીપણાનો આધાર રહે છે.
આજનો યુગ એ સાચા અર્થમાં પત્રકા૨નો યુગ છે. લૉર્ડ ગ્રેના મત મુજબ પત્રકારત્વ એ સ્વતંત્રતાનો રસિક દેવ છે, અને જગતની ચોથી મહાસત્તા છે. પ્રજાજીવનની એ પારાશીશી છે. લોકજીવનની એ વેધશાળા છે. વર્તમાનપત્ર લોકોનો મિજાજ, એમની જિજ્ઞાસા, પૃચ્છા અને આકાંક્ષાઓને વાચા આપવાનું એક સ્વચ્છ અને પ્રબળ માધ્યમ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ થોમસ જેફરસન તો કહે છે, “અખબારો