________________
સાહિત્ય અને પત્રકારત્વ ૧૭ આવી મોટી પ્રવૃત્તિ પ્રત્યે આપણાં વર્તમાનપત્રો, યુનિવર્સિટીઓ અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી વિદ્યાસંસ્થાઓની ઉપેક્ષા સ્તબ્ધ કરી દે એવી સાંસ્કારિક ઘટના છે. વર્તમાનપત્રના કાર્યકરોનો મોટો ભાગ આ અનુવાદપ્રવૃત્તિમાં જ રોકાયેલો હોય છે. આમ છતાં આપણે એમ માનીએ છીએ કે અનુવાદની બાબતમાં તો પડશે એવા દેવાશે જેવું વલણ રાખવું એ ઠીક છે. આવી મનોવૃત્તિને કારણે આપણા પત્રકારત્વનું વૈચારિક પોત પાતળું રહ્યું છે કારણ કે અનુવાદમાં અઘરો શબ્દ આવે તો એને એક બાજુ મૂકી જલદી અનુવાદ પ્રેસમાં પહોંચાડવાની વૃત્તિ હોય છે. સાહિત્યકૃતિમાં પણ આવું બનતું હોય છે.
આથી મારું એવું સૂચન છે કે ગુજરાતનાં વર્તમાનપત્રો, યુનિવર્સિટીઓ અને થોડી વિદ્યાસંસ્થાઓએ ભેગાં થઈને એક અનુવાદ સંસ્થા (ટ્રાન્સલેશન ઇન્સ્ટિટ્યૂટ) સ્થાપવી જોઈએ. આ સંસ્થાની દસબાર મુખ્ય સ્થળોમાં શાખાઓ હોવી જોઈએ. આ સંસ્થાએ અનુવાદ એક વિષય તરીકે શીખવવો જોઈએ અને આમ કરતાં કરતાં શિક્ષણ સાથે એક ડિપ્લોમા આપવાની ગોઠવણી કરવી જોઈએ. આ ડિપ્લોમાનો કોર્સ એક વર્ષથી વધુ ન હોવો જોઈએ. ગુજરાતમાં જ્યાં પત્રકારત્વનું શિક્ષણ અપાતું હોય ત્યાં અનુવાદ એક ખાસ વિષય તરીકે એવી રીતે દાખલ કરવો જોઈએ કે વિદ્યાર્થીને ઉપર સૂચવ્યા એવા ડિપ્લોમાના કોર્સ જેટલું શિક્ષણ મળે. અનુવાદ એ શીખવવાનો વિષય છે એ વાત સ્વીકારીએ તો મારું સૂચન તમને ગળે ઊતરશે.
જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, એ પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે.
- ઓલિવ શ્રાઈનર