________________
૧૬ સાહિત્ય અને પત્રકારત્વ હકીકતની ચોક્સાઈના પાયા પર કલ્પના સાહિત્યકૃતિ રચે તો સાહિત્યકૃતિની ગુણવત્તા વધે એમ મને લાગે છે.
પત્રકારત્વમાં સ્થળમર્યાદાને કારણે જે લાઘવ છે એનો પણ સાહિત્યકારે અભ્યાસ કરવો જોઈએ. પત્રકારત્વમાં શબ્દાળુતા અને લાઘવ એકસાથે હોય છે પણ એનામાં જે લાઘવ છે એ સાહિત્યકૃતિમાં સીંચવા જેવું છે. મુનશીની નવલકથાઓમાં ભાષાનું જે લાઘવ છે એને કારણે એમાં જે વેગ આવ્યો છે એમાં પત્રકારત્વના સારા અંશોની છાંટ છે.
પત્રકારત્વ સાહિત્ય પાસેથી ભાષાનું સૌંદર્ય કેમ નિર્માણ કરવું એ જાણી શકે છે. સાહિત્યકાર માટે ભાષા કેવળ માધ્યમ નથી, પણ એક સૌંદર્યશાસ્ત્રીય નેમ પણ છે. આથી અહીં ભાષા કેવળ શ્વેત કે શ્યામ રંગની નહીં પણ વચગાળાના રંગોવાળી પણ હોય છે. આવી ભાષાને કારણે વિચારમાં પણ અનાયાસે ક્યારેક નીરક્ષીરભાવની માત્રા વધે છે. પત્રકાર સાહિત્યની આ શબ્દમથામણ તરફ વધારે ધ્યાન આપે તો એનું પત્રકારત્વ એકીસાથે વધુ ચોક્કસ અને લાવણ્યમય બની શકે.
પણ પત્રકારત્વને સાહિત્ય પાસેથી કંઈ ખરું શીખવાનું હોય તો એ માનવમૂલ્યો માટેની ચીવટ, સાહિત્યના અંતરંગમાં અનુકંપા હંમેશાં હોય છે. આ અનુકંપાની અભિવ્યક્તિ નબળી બળી હોય, પણ અનુકંપાને તમે સાવ નિચોવી નાખી સારી સાહિત્યકૃતિ ભાગ્યે જ રચી શકો. પત્રકારત્વ પર સાહિત્યની આ અનુકંપાની ઝરમર થાય તો માનવસમાજની સમસ્યા એ વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. સાહિત્યકારની અનુકંપા પત્રકારત્વમાં પ્રવેશે તો પત્રકારત્વનું ફલક અત્યારે છે એ કરતાં મોટું થવાની શક્યતા છે.
આપણે ત્યાં અંગ્રેજી ભાષાનું પ્રાધાન્ય છે એટલે એના અનેક ફાયદા અને કેટલાક ગેરફાયદા થયા છે. પણ એક વાત આપણે સ્વીકારવી પડશે કે અંગ્રેજી ભાષા આપણા સંસ્કારજીવન માટે એક અગત્યની ભાષા બહુ લાંબા સમય સુધી રહેવાની છે. સાહિત્યની વાત કરીએ તો અંગ્રેજીમાંથી ઉત્તમ સાહિત્યના અનુવાદ આપણે કરીએ છીએ અને એની ગતિ વધવી જોઈએ. વર્તમાનપત્રો તો મોટા ભાગે અંગ્રેજીમાં આવતા સમાચારોના ગુજરાતીમાં અનુવાદ આપતાં હોય છે અને સારા અંગ્રેજી લેખોનો પણ અનુવાદ ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોમાં ઘણી વખત પ્રગટ થતો હોય છે.