________________
સાહિત્ય અને પત્રકારત્વ ૧૫
આથી એમાં ઝરણાની તાજગી હોય છે. આમ બોલચાલની ભાષામાં ઘણી વાર શબ્દની પ્રમાણિકતા અને તાજગી હોય છે.
પત્રકારને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિની અસરકારક સગવડ મળે છે. ગાંધીજીના પત્રકારત્વમાં બોલચાલની ભાષાનો જે રીતે ઉપયોગ થયો તેથી અજગર જેવો પડેલો દેશ ઊભો થઈ ચાલવા માંડ્યો. ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, કરસનદાસ માણેક અને ચુનીલાલ મડિયાએ જે રીતે બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો તેથી ગુજરાતી પત્રકારત્વ અને ગુજરાતી ભાષા બંને એક પગથિયું ઊંચે ચડ્યાં.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે સૌથી મોટી સમાનતા એ છે કે બંનેનો વિષય માણસનું સામુદાયિક જીવન છે. પત્રકારત્વ સમાજની તવારીખ છે. આજનું પત્રકારત્વ આવતી કાલનો ઇતિહાસ છે. જુદી જુદી ઘટનાઓ દ્વારા પત્રકારત્વ સમાજની તસવીર રજૂ કરે છે. સાહિત્યકાર વ્યક્તિ અને સમાજની તસવીર એવી રીતે દોરે છે કે એ કળાકૃતિ બને. આમ, પત્રકાર સમાજનો ફોટોગ્રાફર છે, સાહિત્ય સમાજનો ચિત્રકાર છે.
સાહિત્યકારનો અવાજ અંગત છે પણ પત્રકારની જેમ તેનો વિષય તો માનવસમાજ છે. એકપાત્રી નવલકથા લખો તો પણ તમારે પાત્રની આજુબાજુના સમાજ વિશે જ લખવું પડે. પાત્રના મનની જ વાત લખવી હોય અને તેના ચિત્તની બહારની દુનિયાને એક બાજુ રાખવી હોય તો મને દહેશત છે કે એ સાહિત્ય નહીં બને. પાત્રના મનમાં શું ચાલે છે એટલું જ લખવું હોય તો એ અધ્યાત્મ કહેવાય; સાહિત્ય નહીં.
આમ માનવજીવન સાહિત્ય અને પત્રકારત્વનો એક માત્ર વિષય છે. પત્રકાર માનવજીવનનું બયાન લખતો જાય છે, જ્યારે સાહિત્યકાર માનવજીવનના કાચા માલમાંથી પોતાના કલ્પનાબળથી નવી દુનિયા સર્જે છે.
સાહિત્ય અને પત્રકારત્વ જે રીતે ભાષા પાસેથી કામ લે છેલ્લેથી ભાષા સમૃદ્ધ બને છે. આ સતત પ્રક્રિયા છે. જો સાહિત્ય અને પત્રકારત્વ એકબીજા પાસેથી શીખે તો બંનેની ગુણવત્તામાં ક્યારેક વધારો થાય. સાહિત્ય પત્રકારત્વ પાસેથી શું શીખી શકે ? પત્રકારમાં જે ચોકસાઈ હોય છે એ સાહિત્યકારે કેળવવા જેવી છે. સમાચાર સંસ્થાની ચોકસાઈ આપણા નવલકથાકારો અને નિબંધકારોમાં હોય તો સાહિત્ય તમારા ને મારા જીવન માટે વધુ પ્રસ્તુત બને. આ કરતાંયે મોટી વાત એ છે કે