________________
૧૭૦
| પત્રકારત્વ : એક પડકાર
નથી તેમ પત્રકાર દૈનિક કે સાપ્તાહિકના સંચાલકની શરતી સૃષ્ટિમાં બંધાયેલો રહે છે. પરંતુ લોકશાહી દેશોમાં પ્રકાશક લેખકના સ્વાતંત્ર્યને રૂંધતો નથી તેવું જ પત્રસંચાલકો બાબતે બનવું જોઈએ. એને બદલે જોવા એવું મળે છે કે તેના ગમાઅણગમાને “પૉલિસીનું સ્વરૂપ આપીને કેટલાક પત્ર-સંચાલકો વૃત્તાંતને પણ વળાંક આપીને રજૂ કરવાની શિસ્ત પળાવે છે. કદાચ આ કારણે કેટલાક તેજસ્વી યુવકો પત્રકારત્વથી વિમુખ રહ્યા છે. એક દૈનિકના કાર્યાલયમાં જઈએ તો આવતી કાલની યુનિવર્સિટીનો આભાસ થવો જોઈએ. એકેએક વિદ્યાશાખાના નિષ્ણાતો ત્યાં બેઠેલા હોવા જોઈએ. અહીં તો પાયાના સંદર્ભગ્રંથોનાં નાનાં પુસ્તકાલયો વિના પણ કામ ચાલે છે. છેલ્લાં ત્રણેક વરસમાં જે સાપ્તાહિકો ચાલ્યાં છે એમણે તો વિદેશી સાપ્તાહિકોની સારી એવી જૂની પસ્તીમાંથી લેખો લઈ લઈને અપૂર્વ ફેલાવો કર્યો છે. એ એક વિક્રમ છે, લીલા દુકાળનો.
પરિસંવાદમાં આ પ્રકારના મુદ્દાઓ પર ભાર દઈને મોટા ભાગના વક્તાઓએ આજના પત્રકારત્વનું સરવૈયું કાઢવા સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. સંગઠનો દ્વારા પત્રકાર નિર્ભય બની શકે, આવા પરિસંવાદો એની હેતુલક્ષી સક્રિયતા માટે ભૂમિકા ઊભી કરી શકે, પીઠબળ પૂરું પાડી શકે.
અંગ્રેજી ભાષાનાં ઉત્તમ દૈનિકો સાહિત્ય અને સંસ્કૃતિ-વિષયક કેટકેટલાં પુસ્તકોનાં અધિકારી વિદ્વાનોએ લખેલાં અવલોકનો છાપે છે ? એ પણ અલબત્ત, સાંસ્કૃતિક ઘટનાઓને યુરોપનાં દૈનિકો જેટલું મહત્ત્વ નથી આપતાં. આમ્બેર કામૂ અકસ્માતમાં માર્યા ગયા ત્યારે ફાનાનાં છાપાંએ સાંજની પૂર્તિ બહાર પાડી હતી. આપણાં દૈનિક સાંસ્કૃતિક ઘટનાઓ પ્રત્યે વાચકોને વધુ ને વધુ અભિમુખ કરવામાં મદદરૂપ થશે તો લોકશાહીને સુદઢ કરવાનો એ લાંબો રસ્તો છેવટે ટૂંકો સિદ્ધ થશે.
આ પરિસંવાદ સમગ્રપણે પત્રકારત્વનો આદર્શ સૂચવી શક્યો. પત્રકારત્વ દ્વારા સાહિત્યને લોકગમ્ય બનાવવાની શક્યતા નિર્દેશી શક્યો. ગુજરાતી ભાષાની વર્તમાન સ્થિતિ અને આવતી કાલની જરૂરિયાત વિશે સભાન કરી શક્યો. આ એક થોડીક સંતોષ લઈ શકાય એવું પરિણામ છે. એના યશના ભાગીદાર સહુ પત્રકારમિત્રો અને મુરબ્બીઓ છે. એમણે એમ આશા પણ જગાવી છે કે ઘણાં કામ લેખકો અને પત્રકારો સાથે મળીને કરી શકશે.