________________
પત્રકારત્વ : લેખસૂચિ n નવલસિંહ કે. વાઘેલા
છેલ્લા કેટલાક દાયકાઓમાં પત્રકારત્વના ક્ષેત્રે ઘણું જ ખેડાણ થયેલું છે. ગુજરાતના વિવિધ વિશ્વવિદ્યાલયોમાં આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પણ શક્ય બન્યું છે. વિદ્યાર્થીઓને તેમજ આ ક્ષેત્રમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને પત્રકારત્વ અંગેના ગુજરાતી લેખો હાથવગા બને એ હેતુથી ગુજરાતી સામયિકોમાં વેરવિખેર પ્રસિદ્ધ થયેલા વિવિધ લેખોને સંકલિત કરવાનો પ્રયાસ આ સૂચિ દ્વારા કર્યો છે.
આ કાર્ય માટે “અખંડ આનંદ', “ઊર્મિનવરચના', “કુમાર', “ગ્રંથ', “નવચેતન', નિરીક્ષક', “પરબ', ‘ફાર્બસ ગુજરાતી સભા - ત્રિમાસિક', “બુદ્ધિપ્રકાશ', “મિલાપ', ‘વિદ્યાપીઠ', “વિશ્વમાનવ' અને “સંસ્કૃતિ' એમ કુલ ૧૩ ગુજરાતી સામયિકોમાં જૂન ૧૯૯૫ સુધી પ્રગટ થયેલા લેખોનો તેમજ ગુજરાતી સાહિત્યના વિવેચનગ્રંથોમાં ગ્રંથસ્થ થયેલા પત્રકારત્વ' સંબંધી લેખોનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત છેલ્લે ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનોના અહેવાલોમાં પ્રગટ થયેલા “પત્રકારત્વ' વિષય પરના લેખોનો પણ સમાવેશ કર્યો છે.
આ લેખોને “પત્રકારત્વ, પત્રકારો, ‘વર્તમાનપત્ર', ‘વર્તમાનપત્ર-તંત્રી', સામયિક' એમ મુખ્ય પાંચ વિભાગોમાં વિભક્ત કરી લેખકની અટકના અકારાદિ ક્રમમાં મૂક્યા છે, જેમાં લેખનું નામ, સામયિકનું નામ, ગ્રંથ (અંક), માસ, વર્ષ અને પૃષ્ઠનિર્દેશની વિગતો આપેલી છે. વિવેચનગ્રંથોના ગ્રંથસ્થ લેખની સાથે જે તે પુસ્તકના પ્રકાશન સંબંધી વિગતો લઘુકસમાં દર્શાવી છે.
આશા છે કે આ સૂચિ પત્રકારત્વ ક્ષેત્રમાં રસ ધરાવનારાઓને તેમજ અભ્યાસીઓને ઉપયોગી બનશે.