________________
ફલશ્રુતિ ૧૬૭ રીતે વધુ ને વધુ હેતુલક્ષી અને સાંસ્કૃતિક દાયિત્વ સંભાળતો કરી શકાય એ ચર્ચા પણ અભિપ્રેત હતી. પ્રારંભિક બેઠકમાં પીઢ પત્રકાર શ્રી ચીમનભાઈ પટેલે (તંત્રી, “સંદેશ”) પત્રકારની સત્યનિષ્ઠા પર ભાર મૂકી એનો માલિક તંત્રી ટ્રસ્ટી તરીકે કામ કરી શકે એવી જોગવાઈ સૂચવી, પોતાના અનુભવોમાંથી દાખલા આપી તેનું સમર્થન કર્યું. યુવાન પત્રસંચાલક શ્રી શ્રેયાંસભાઈ શાહ (મેનેજિંગ તંત્રી, ગુજરાત સમાચાર') કહ્યું કે માત્ર ડિપ્લોમાની તાલીમથી નહીં ચાલે, પીઢ અને નીવડેલા પત્રકારો પાસેથી નવી પેઢીએ શીખવું પડશે. સાહિત્ય અને પત્રકારત્વે એકમેકના સીમાડા ઓળંગ્યાના દાખલા પણ એમણે આપ્યા.
પ્રથમ બેઠકના પ્રમુખ હતા વિખ્યાત અને વિદ્વાન પત્રકાર શ્રી વાસુદેવ મહેતા. વિષય હતો : “ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું” આ શીર્ષકનો વિકલ્પ સૂચવીને ભૂલો શોધવાની સહજ આવડતથી એમણે વાતાવરણની તંગદિલી નાબૂદ કરી એમાં હળવાશ ઉમેરી. ભાષા અને પરિભાષા અંગે સાહિત્યકારો કરવા જેવું શું નથી કરતા એ પણ એમણે કહ્યું. વળી, બેઠકના અધ્યક્ષ તરીકે એ ભાગ્યશાળી નીવડ્યા કે શ્રી બળવંતરાય શાહ અને શ્રી યાસીન દલાલના સ્વાતંત્ર્ય પૂર્વે અને પછીના પત્રકારત્વ વિશે અભ્યાસપૂર્ણ અને સુંદર રજૂઆત ધરાવતાં વ્યાખ્યાનો એમને સાંપડ્યાં. નિવૃત્ત પત્રકાર શ્રી યજ્ઞેશભાઈ શુક્લના તંત્રીલેખો' વિશેના વ્યાખ્યાનના મુદ્દા શ્રી પ્રિયકાન્ત પરીખે રજૂ કર્યા અને “વૃત્તાંતનિવેદન” વિશેનું શ્રી જયવદન પટેલનું વ્યાખ્યાન શ્રી મહેશભાઈ ઠાકરે વાંચ્યું.
પત્રકાર : એક વિધાયક પરિબળ' વિશેની બીજી બેઠકનું સંચાલન શ્રી ઈશ્વરભાઈ પંચોલીએ કર્યું. “પત્રકારની ક્રિયાશીલતા' વિશે શ્રી કિરીટભાઈ ભટ્ટ (વડોદરા) ભારપૂર્વક બોલ્યા. પોતાની વેદના એમણે હસમુખ પાઠકની કવિતામાં કહી. પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા વિશે શ્રી ભગવતીકુમાર શર્માએ અનેક ઉદાહરણ સાથે જમા-ઉધાર પાસા ઉપસાવી આપ્યા. પત્રકારનો લોકપ્રભાવ' પ્રો. ચંદ્રકાન્ત મહેતાએ પત્રકારના ભાષા-પ્રયોગના સંદર્ભમાં સમજાવ્યો અને શ્રી ચીમનભાઈ પટેલે અગાઉથી મોકલી આપેલું, પત્રકારને લોકશાહી સમાજની ચોથી શક્તિ ગણાવતું વ્યાખ્યાન શ્રીમતી વર્ષાબહેન અડાલજાએ સુંદર રીતે વાંચ્યું. તંત્રી તરીકે પોતે સારું એવું સ્વાતંત્ર્ય પામવા ભાગ્યશાળી થયા છે, એનો નિર્દેશ કરીને પણ ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે કેવાં મર્યાદિત સાધનો અને નિયંત્રણોમાં રહીને આપણા તંત્રીવિભાગો કામ કરે છે. “જન્મભૂમિ' પાસે છે એવું સમૃદ્ધ પુસ્તકાલય દરેક દૈનિક વસાવવું જોઈએ.