________________
પરિસંવાદનો સમારોપ ૧૯૩
માત્ર અપવાદ સિવાય બહોળો ફેલાવો ધરાવનારા પત્રો પાસે પણ સમૃદ્ધ ગ્રંથાલયો નથી. રાજકારણ એ જ પત્રકારત્વનો પ્રધાન સૂર બની ગયો છે. શ્રી યાસીન દલાલે કહ્યું કે સંસ્કાર-પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ તો ઘેર ગયું, પણ એવી પ્રવૃત્તિ થવાની હોય તેની સમાચારનોંધ પણ પૂરી પાધરી છપાતી નથી. હમણાં દાદા ધર્માધિકારી અમદાવાદ આવી ગયા અને બે વિચારપૂર્ણ પ્રવચનો કરી ગયા. કશે ક્યાંય એની નોંધ સરખી લેવાઈ હતી ? પત્રકારત્વે પ્રજાઘડતર માટે હવે પોતાના અગ્રતાક્રમો બદલવા ઘટે છે, અને લોકજીવનને સમૃદ્ધ કરવાની નેમથી જ પોતાનો વ્યવસાય ચલાવવો ઘટે છે. આ બાબતમાં વ્યવસાયી પત્રકારો જો એકમત હશે તો માલિકોની સ્પર્ધાની એમને કનડગત રહેશે નહીં, સિવાય કે અજાણતાં એ સ્પર્ધાના અને અવળા અગ્રતાક્રમોના પોતે જ વાહકો બની રહે.
ભાઈ શશીકાન્ત નાણાવટીએ આક્રોશપૂર્વક કહ્યું કે પત્રકાર એ વ્યાધ્રમુખ પહેરીને ફરનારો નિર્જીવ ટાઇપરાઇટર બની ગયો છે. ઇન્ડિયન એક્સપ્રેસવાળા શ્રી કિરીટ ભટ્ટે કહ્યું કે પત્રકાર મરી ગયો છે. એમણે તો હસમુખ પાઠકના એક કાવ્યને પણ પત્રકારની સંવેદનારહિતતા દર્શાવવા ઉપયોગમાં લીધું પણ શ્રી નીરુભાઈ દેસાઈએ યથાર્થ જ કહ્યું કે પત્રકારના ઉદ્ધારની ચાવી એના પોતાના હાથમાં છે. પોતાની સ્થિતિ માટે જો એણે કોઈને પણ દોષ દેવાનો હોય તો તે પોતાને જ છે.
કેવો હોવો જોઈએ પત્રકાર ? ભાઈ ભગવતીકુમાર શર્માએ એનામાં સહૃદયતા કલ્પી, સાંસ્કૃતિક સજ્જતા કલ્પી અને સ્વાતંત્ર્યનો અભિનિવેશ પણ કહ્યો. ભાવનગરના શ્રી કિરીટ ભટ્ટે પણ શબ્દફેરે એ જ ગુણો ઉપર ભાર મૂક્યો. આ તે પત્રકારનું વર્ણન છે કે સાહિત્યકારનું? સાહિત્યકારમાં પણ આ જ ગુણો અપેક્ષિત છે. કેવળ ભાષા જ નહીં, આ લક્ષણો પણ પત્રકારત્વ અને સાહિત્યનાં મિલનબિંદુઓ છે. પત્રકાર ભલે વૃત્તાંતનિવેદન કે વૃત્તવિવેચન કરતો હોય પણ તેની સજ્જતા તો ભાષાકર્મ તેમજ અભિગમ ઉભય પરત્વે સાહિત્યકારના જેવી જ હો જોઈશે. અધ્યાપકત્વ અને પત્રકારત્વ એ સાહિત્યકારને માટે આજીવિકાનાં અધિકાંશ સાધનો છે એ કંઈ આકસ્મિક ઘટના નથી. પરિસ્થિતિનું દર્શન, તેનું આકલન, તેને વિશેનું ચિંતન સમગ્ર સજ્જતાથી અને સંવેદનાથી સાહિત્યકાર અને પત્રકારે કરવાનું છે. સાહિત્યકાર ભલે શબ્દ દ્વારા શબ્દાર્થની પાર જતો હોય, અને પત્રકાર ભલે શબ્દ દ્વારા અર્થબોધ કરાવવાનું મર્યાદિત કાર્ય કરતો હોય પરંતુ ઉત્તમ પત્રકાર એ ઉત્તમ સાહિત્યકાર પણ છે એ