________________
૧૬૪
| પત્રકારત્વ : એક પડકાર
શ્રી હરીન્દ્ર દવેનું કથન નિરર્થક નથી. સત્યની અને સહૃદયતાની, સજ્જતાની અને નિર્ભયતાની ભૂમિકાએ સાહિત્યકાર અને પત્રકાર હાથ મિલાવતા રહે એ જ ઇષ્ટ છે.
ભાઈ કુમારપાળે કહ્યું કે વિકસતા વિષયો માટે ભાષા વિકસેલી નથી. શ્રી વાસુદેવ મહેતાએ ફરિયાદ કરી કે ત્રણ મજલાની ગુજરાતી લિપિને કારણે જેટલા અવકાશમાં અંગ્રેજી પત્રો જેટલી સામગ્રી આપે છે તેટલા જ અવકાશમાં ગુજરાતી પત્રો તેથી અડધી સામગ્રી માંડ આપે છે. એમણે કહ્યું કે સાહિત્યકારોએ જોડણી અને લિપિ અને ભાષા પરત્વે પત્રકારત્વની વહારે ચડવું જોઈએ. ચડવું જ જોઈએ, પણ એકલા સાહિત્યકારો આમાં ખપ નહીં લાગે. પત્રકારોએ અને સાહિત્યકારોએ સાથે બેસીને આ પ્રશ્ન ઉકેલવો જોઈશે. આખરે લિપિ એ સંજ્ઞા છે. એને અનુકૂળ ઘાટ ન જ આપી શકાય એવું નથી. એ માટે મથામણો પણ ચાલે છે. પણ પત્રકારત્વ ભાષા બગાડી ન બેસે એટલા માટે એક મિત્રે અનુવાદશાળા સ્થાપવાની હિમાયત કરી. હું એને અનુમોદન આપું છું. પણ ગુજરાતી પત્રકારત્વ સદાય પરોપજીવી રહેવાને નિર્માયું નથી. વસ્તુના સ્વતંત્ર દર્શનની અને પરામર્શની અપેક્ષા પણ વાચકો પત્રકારત્વ પાસે રાખે છે. એ માટે ભાષાશક્તિ વિકસાવવી જોઈએ.
થોડાંક વર્ષો પહેલાં કેસ્લી મેન્યુઅલ ઑફ જર્નાલિઝમ' કરીને એક ગ્રંથ મારા વાંચવામાં આવ્યો હતો. તેમાં એક લેખકે ગદ્યશક્તિ વિકસાવવા માટે કવિતાના અભ્યાસનો અનુરોધ કર્યો હતો. આમાં તો કાવ્ય ગદ્ય અને પદ્ય ઉભયમાં સંભવે છે. પણ વ્યાવહારિક જરૂરિયાતો સાધવા માટે પત્રકારત્વ અધિકાંશે ગદ્યનો ઉપયોગ કરે છે. પણ ઊંડી નજર માંડીશું તો કોઈ પણ દેવતવાળી પ્રજા પોતાના વ્યવહારુ ગદ્ય પરત્વે પણ અનાયાસે કવિતાની સ્મૃતિની જ ઋણી હોય છે. આપણે ત્યાં પણ નરસિંહ મહેતાથી નલિન રાવળ સુધીની કવિતાનો ઉત્તમ અભ્યાસ થાય તો પત્રકારત્વને પોતાના ભાષાકર્મ માટે સજીવ શબ્દો અનાયાસે ફુરી રહેશે.
પત્રકાર મરી ગયો છે એ શ્રી કિરીટ ભટ્ટના ઉદ્ગારે અને પત્રકારની સજ્જતા વિશેની શ્રી ભગવતીકુમાર શર્માની અપેક્ષાએ મને અસમિયા કવિ નવકાન્ત બરૂના એક કાવ્યનું સ્મરણ કરાવ્યું. જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું એ આ કવિતાનું શીર્ષક છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો પ્રબોધ માત્ર કરનારા નહીં પણ એ ભાવો જીવનારા સુધ્ધાં એવા કારુણ્યમૂર્તિનો સંસ્પર્શ થીજી ગયેલા જડ માનસને થાય તો એની પણ ચેતના સ્પંદિત થઈ ઊઠે અને વિવિધ પેરે અભિવ્યક્તિ સાધી શકે. એ કાવ્યના