________________
૧૬૨ O પત્રકારત્વ : એક પડકાર
વિષય છે. પત્રકારને ઉતાવળે ઉતાવળે નિયત સમયમાં પોતાનું કામ આટોપવાનું હોય છે એ ખરું, પણ એ ઉતાવળ તે તો જે તે દિવસનું કામ આટોપવાની ઉતાવળ છે, પોતપોતાની સજ્જતા કેળવવાની એ ઉતાવળ નથી. વર્ષો પહેલાં ‘માન્ચેસ્ટ૨ ગાર્ડિયન'ના અધિપતિ સી. પી. સ્કોટે એક એવું સૂત્ર વહેતું કર્યું હતું કે Fact is sacred, comment free. એમણે એ સૂત્ર પોતાના વ્યવસાયજીવનમાં ચરિતાર્થ પણ કર્યું હતું. તથ્યને પવિત્ર માનીને પ્રામાણિકપણે તેને રજૂ કરનાર અને પોતાની સમગ્ર સજ્જતાથી તેને વિમર્શ કરનાર પત્રકાર જ પત્રકારત્વને Fourth Estate (ચોથી જાગીર) બનાવી શકે છે. પત્રકારત્વ એ નિઃશંક એક પરિબળ છે. એ સમાચાર આપે છે, પ્રતિભાવ આપે છે. શાસનને જાગ્રત રાખનાર એ એક ચોકીદાર છે, કેમ કે તેની સીધી અપીલ રાજ્યના અંતિમ સાર્વભૌમત્વના અંશરૂપ લોકોને છે. પત્રકારત્વ પણ લોકચેતનાને સ્પર્શે છે, અને તેને ઝંકૃત કરે છે.
પણ એની આ પ્રભાવક શક્તિ જો ખરીદવેચાણની વસ્તુ બની જાય તો પછી એ પોતાની વિશ્વસનીયતા ગુમાવે છે. ઝડપથી વિકસતા યંત્રવિજ્ઞાને પત્રકારત્વનો બહોળો ફેલાવો કરનારાં સાધનો પૂરાં પાડ્યાં છે. જેમાંથી નાનાં પત્રો માટે કેવા મોટા પ્રશ્નો ઊભા થયા છે તેનો ખ્યાલ શ્રી પ્રતાપભાઈ શાહે આપ્યો છે. એ આખો પ્રશ્ન અલાયદી વિચારણા માગી લે એવો છે. પણ આ પરિસંવાદમાં કહેવાયું કે હજી તો ગુજરાતની વસ્તીનો એક ટકા ભાગ જ પત્રો ખરીદે છે. એનો અર્થ એ થયો કે પાંચથી દશ ટકા લોકો પત્રો વાંચે છે. શિક્ષણનો અને અક્ષરજ્ઞાનનો ફેલાવો કરવામાં જો પત્રો સહાયભૂત થાય તો હજી વાચકવર્ગ અને ગ્રાહકવર્ગને વિસ્તરવાનો બહોળો અવકાશ છે. પણ વાસુદેવભાઈએ બીજી એક વાત કરી : જેમ જેમ પત્રોનો ફેલાવો વધતો જાય છે તેમ તેમ એ તેમની વિશ્વસનીયતા ગુમાવતા જાય છે. જો આ વાત સાચી હોય તો ફોર્થ એસ્ટેટ બનવાની તો આ રીત નથી જ. લોકચેતના જાગ્રત કરવાની, પોતાની આસપાસ બનતા બનાવોની સમીક્ષા કરવાની, લોકોની એમની ગુંજાયશ વધા૨વાની પ્રેરણા આપવાની, અને તેમને પોતાનાં સ્વાતંત્ર્યોની રક્ષા કરનાર નાગરિક જીવનના ભાગીદારો બનાવવાની પત્રકારત્વની ફરજ અધિકાંશે નીડર, તટસ્થ, પ્રામાણિક પત્રકારો ઉપર આવી પડે છે.
આમ કેમ નથી થતું ? શ્રી નરભેરામ સદાવ્રતીએ કહ્યું કે સ્વતંત્ર અભ્યાસ અને અન્વેષણને નામે મીંડું છે. શ્રી ઈશ્વર પંચોલીએ કહ્યું કે જન્મભૂમિ–પ્રવાસી પત્રના એક