________________
૨૫
નિષ્ઠા અને ખુમારીનો રણકાર નીરુ દેસાઈ
છત્રીસ વર્ષ જૂના દીર્ઘકાલીન વ્યવસાય પછીનો પ્રતિભાવ વિયેટનામ યુદ્ધમાં હોમાવા ગયેલા એક અમેરિકી લશ્કરી જવાન જેવો છે. હેલિકૉપ્ટરમાંથી ભૂમિ પર કૂદતાં પહેલાં એણે ટોપા પર લખ્યું હતું : “unwilling at the bid of the unqualified doing the most unnecessary thing for the most ungrateful."
પત્રકારત્વ એક મિશન તરીકે સ્વીકાર્યું હતું પરંતુ છેલ્લા બે દાયકામાં જે કમિશન તેમાં પ્રવેશ્યું છે એને માત્ર કમાઈ ખાવાના એક સાધન બિઝનેસ તરીકે જ તેને માની અંગત મહત્ત્વાકાંક્ષા, સત્તા અને સ્ટેટસ તરીકે આ ક્ષેત્રનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે તે સંદર્ભમાં અંગત નિરાશાની લાગણી કોઈક વાર સ્વાભાવિક છે. પરંતુ આ સ્થિતિ માટે એકલો દોષ માલિકી અને એમાંથી ઊભા થતાં સામંતશાહી સંબંધોનો નથી. સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં માધ્યમ શબ્દ છે તેની પ્રતીતિકારકતા, અસરકારકતા ક્ષીણ થયાં હોય તો તેની ખરી જવાબદારી શબ્દના સર્જકોની પણ છે. એ સ્વત્વ સાચવવાની અને તેની સામેનાં જોખમોની, અંતરાયો અને પડકારોની વાતો કરે છે. આ વ્યવસાયમાં પડેલાઓની મુશ્કેલીઓ ઓછી નથી. નીતિ એ નક્કી કરતો નથી. શું લેવું, શું ન લેવું એ માલિકની મુન્સફી, પૂર્વગ્રહો અને પક્ષપાતો પર આધાર રાખે છે. પત્રકારત્વમાંથી objectivity ચાલી ગઈ છે. પ્રજામતનો, તેની લાગણીનો, પ્રશ્નોનો એમાં ભાગ્યે જ પડઘો પડે છે. સમાજમાં જે અવિધેયાત્મક, નકારાત્મક અને મહદ્ અંશે ગુનાહીત પ્રસંગો બને છે, તે Interpretative Journalismને નામે ડોકાં દે છે. વ્યવસાયની ભૌતિક મુશ્કેલીઓ પણ ઓછી નથી. જુદા જુદા વક્તાઓના વિગતી બયાનોમાં તેનો ચિતાર અપાયો છે. તે સ્વીકારીએ તોપણ સ્વત્વ સાચવવાનો પ્રયાસ પત્રકારે પોતાને જ કરવાના રહે છે. એ જે માનતો હોય તે પ્રમાણે પ્રકાશિત ન કરાય, પરંતુ એ પ્રકારના લખાણથી એ શા માટે દૂર ન રહે ? સાચું ન કહી શકે – પરંતુ ખોટામાં શા માટે એ પક્ષકાર બને છે ? થોડાં નાણાં કમાવા અથવા તો સંચાલકોને રીઝવવા અથવા તો નોકરીની સલામતીના નામ હેઠળ એ પોતાની કલમ ગંદા પાણીમાં શું કરવા બોળે ? વ્યભિચારિણી કલમ દ્વારા જ જીવતર શક્ય હોય તો એ કેટલે અંશે વાજબી લેખાય ? એ પછી સ્વત્વનો વાત આપણને શોભે છે ખરી ?