________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૧૫૭ એકદોઢ દશકા પહેલાં પત્રકારોમાં તેમના અખબાર પ્રત્યે જે નિષ્ઠા હતી, જે કુટુંબભાવના હતી, ‘હું એવું કામ કરું કે સહુમાં હું અને મારું અખબાર ટોચે ઊભાં રહે એવી જે તમન્ના હતી અને બીજાં અખબારોને સવારના પહોરમાં સણસણતો ચાબખો પડે એવું કશુંક “એક્સક્લઝિવ' કરવાનું જે ઝનૂન હતું, તંદુરસ્ત સ્પર્ધા માટેનો જે થનગનાટ હતો તે આજે ક્યાંય દેખાતા નથી.
વ્યવસાયી પત્રકારની સૌથી મોટી સમસ્યા ખોવાયેલું સ્વત્વ, રોળાયેલી ખુમારી અને છિન્ન-ભિન્ન થયેલો આત્મવિશ્વાસ પાછાં પામવાની છે – અને એ પાછાં મેળવવાનો માર્ગ તો આજે તો તેમને જડતો નથી.
“આજનું આપણું રોજિદુ પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે, તે તો એના સંચાલકો-માલિકોની ટૂંકી દૃષ્ટિને પ્રતાપે. તેઓ “આજ'માં રમે છે, “આવતીકાલની નવરચનામાં નહિ. તેઓ માનતા જણાય છે કે રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબડી-પીપરડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે કે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ દૈનિક પત્રકારત્વને એક શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે સેવાય છે; એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.
- રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ; પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો; સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી જઈ ઉત્તેજનાની જ રમણલીલા; એ કંઈ રોજિંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી, સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાંનું કે ચોપડીનું જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે; એની માર્મિકતાને ભલી ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહેલ છે એટલે થોડા જ વર્ષોમાં આજના પત્રકારત્વનો અનેક ત્રુટિઓમાંથી છુટકારો સંભવિત લાગે છે.”
– ઝવેરચંદ મેઘાણી
(‘વેરાનમાંથી)