________________
૧૫૭ n પત્રકારત્વ : એક પડકાર
કોટિના સર્જનાત્મક લેખોની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. સર્જનાત્મકતાને વાતાવરણ, માનસિક પ્રફુલ્લિતતા કે સુવિધાઓ સાથે જે પ્રગાઢ સંબંધ છે તે વાત ભાગ્યે જ કોઈ મેનેજમેન્ટ સ્વીકારે છે. કામદાર અને લેખક વચ્ચેનો ભેદ તેઓ આંકતા નથી.
આજનાં મોટા ભાગનાં અખબારોએ ‘તંત્રી'નો દરજ્જો રદ કરેલો છે અને માલિકોએ આ કામનું સુકાન હાથમાં લીધેલું છે. આમ પત્રકારત્વ ક્ષેત્રમાંથી સ્વ. સામળદાસ ગાંધી, સ્વ. અમૃતલાલ શેઠ, સ્વ. કકલભાઈ કોઠારી, શ્રી હરગોવિંદ પંડ્યા, સ્વ. કપિલરાય મહેતા પછી આદર્શ અને પ્રતિભાવંત તંત્રીઓનો સ્રોત લુપ્ત થઈ ગયો છે. આ તંત્રીઓ પોતે ઉચ્ચ કોટિના પત્રકારો હતા અને નવા પત્રકારોના શિલ્પીઓ હતા. તેઓ પત્રકારોની જરૂરત અને ગૌરવ બરાબર સમજતા અને તેનું કાળજીપૂર્વક જતન કરતા. મોટા ભાગનાં અખબારોના આજના તંત્રીઓ માલિકો અને વહીવટકર્તાઓ છે. પણ મુશ્કેલી એ સર્જાઈ છે કે આ બે ભગીરથ કાર્યોની ખેંચતાણમાં તેઓ કોઈ એક વિભાગને શ્રેષ્ઠ બનાવવા તેમની શક્તિ અને લક્ષ કેન્દ્રિત કરી નથી શક્યા. પત્રકારો પ્રત્યેનો તેમનો અભિગમ કંઈક અંશે તેમનો ‘જુસ્સો’ તોડનાર બની રહ્યો હોવાની ફરિયાદો અવારનવાર સાંભળવા મળે છે. તંત્રીઓ પોતાના અખબારની નીતિ ઘડે તે તો યોગ્ય જ છે પણ રોજિંદા કામમાં આવો વહેવાર ક્યારેક પત્રકારો માટે સ્વમાનના પ્રશ્નો સર્જી જાય છે.
વ્યવસાયી પત્રકારોને અંકુશમાં રાખવા અખબારોએ હવે ‘મહેમાન કટારલેખકો’નો વર્ગ ઊભો કર્યો છે. અને આ વર્ગને સવિશેષ મહત્ત્વ આપીને તેને મજબૂત બનાવાતો જાય છે. આ કટારલેખકો નિઃશંકપણે બુદ્ધિજીવી વર્ગમાંથી આવે છે. તેમનું વાચનમનન અને લેખન નિઃશંકપણે ઉત્તમ પ્રકારનાં હોય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ શું કરવું જોઈતું હતું અને શું નહોતું કરવું જોઈતું, શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી મોરારજીભાઈ દેસાઈ કે શ્રી જગજીવનરામે કેવો રાજકીય વ્યૂહ અપનાવવો જોઈતો હતો, ચીનના આક્રમણ ટાણે જન૨લ થિમૈયાએ લશ્કરી ચાલમાં ક્યાં ગફલત કરી કે ઝૂમાંથી છટકેલા વાંદરાને શ્રી ડેવિડ રૂબેને કેવી રીતે પકડવો જોઈએ વગેરે અનેકવિધ તમામ વિષયો ઉપર પોતાનો તત્ક્ષણ માર્ગદર્શન આપવાની અદ્ભુત કાબેલિયત ધરાવે છે. આમ છતાં આ મહેમાન કટારલેખકો વ્યવસાયી પત્રકારો માટે ગંભીર પડકારરૂપ છે. અખબારો આ કટારલેખકોની ઓથે વ્યવસાયી પત્રકારોને વધુ ને વધુ તેજહીન, શક્તિહીન અને લાચાર બનાવવાનો પ્રયોગ કરે છે. સંભવતઃ અખબારી સંચાલકોની નેમ નજીકના ભવિષ્યમાં વ્યવસાયી પત્રકારોની જ્ઞાતિ નેસ્તાનાબૂદ કરવાની પણ હોઈ શકે.
-