________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૨૪
0 શશીકાન્ત નાણાવટી ‘પત્રકાર' શબ્દનો પ્રભાવ હજુ સમાજ ઉપર સારો છે. પત્રકાર શબ્દ એક એવો જાદુઈ ચિરાગ છે કે જેનું નામ પડતાં રાજભવનથી માંડીને એસ.ટી. કે એ.એમ.ટી.એસ.ના દરવાજાઓ ફટ કરતાંક ખૂલી જતા હોય છે અને હૉસ્પિટલથી માંડીને સિનેમાઘર સુધી તે કતારમાં ઊભા રહ્યા વિના પ્રવેશ પામી શકતો હોય છે, એવી આજે પણ સામાન્ય માન્યતા છે અને તે સાવ ખોટી છે તેવું પણ કહી શકાય એમ નથી. આવું મોભાવંત સામાજિક સ્થાન ભોગવતો પત્રકાર તેના કાર્યાલયની ચાર દીવાલોમાં કેવો પાંગળો અને લાચાર છે, તેનો અનુભવ વિના ભાગ્યે જ કોઈને ખ્યાલ આવી શકશે.
આજના પત્રકારની કલમથી માંડીને આત્માના અવાજ સુધીની તમામ વસ્તુઓ અખબારોના સંચાલકો પાસે છે. સાંભળતાં કદાચને કોઈને આંચકો અને આઘાત લાગશે પણ વાસ્તવિકતા એ છે કે પત્રકાર ખૂન, બળાત્કાર કે જુગાર-શરાબના અડ્ડા પરના પોલીસ છાપાના સમાચારથી માંડીને તંત્રીલેખ સુધી જે કાંઈ લખે છે તેના શબ્દેશબ્દ પર અખબારના સંચાલકોની આંખ ફરી ગયા પછી જ તે છપાય છે. હકીકતમાં આજનો પત્રકાર જડ, અચેતન ‘ટાઇપરાઇટર' જેવો છે, જેની ચાવીઓ પર સંપાલકોની આંગળીનું દબાણ થતાં અવસાનના સમાચારથી માંડીને, વિશ્વના રાજકારણ સુધીની સામગ્રી એ “ટાઇપ કરી જાય છે ! આમ બહાર વાઘનું મહોરું, પહેરીને ગાલે ગુલાલ લગાડી ફરતા પત્રકારના પગ કાર્યાલયમાં પડતાં જ તેના ગાલનો ગુલાલ ખરી જાય છે અને વાઘનું પેલું મહોરું ઊતરી જતાં એમાંથી પ્રગટ થાય છે તેજહીન લાચાર લહિયો ! આજની પત્રકાર પેઢી જો નિસ્તેજ, ઉષ્માહીન કે શક્તિહીન બની રહી હોય તો તેનું કારણ આ જ છે. આ પરિસ્થિતિએ પોતાની સલામતી તથા સંરક્ષણ માટે તેમને ટ્રેડ યુનિયનના માર્ગે ધકેલ્યા છે અને તેમને પોતાનું યુનિયન રચી “સંઘર્ષ દ્વારા સિદ્ધિ અને સલામતી' એ સૂત્ર હેઠળ એકત્ર કર્યા છે.
પત્રકાર અને કારખાનાના કારીગર કે પેઢીના ગુમાસ્તા વચ્ચે મૂળભૂત ભેદ એ છે કે પત્રકાર એ સર્જક છે અને સર્જનની પ્રક્રિયા મનની મોકળાશ, સલામતીની લાગણી અને પોતાના અખબાર સાથેના એકનિષ્ઠ પારિવારિક સંબંધની પ્રસન્નતા સિવાય શક્ય નથી. દુ:ખની વાત તો એ છે કે કેટલાક અખબારના સૂત્રધારો આ વાત