________________
૧૫૪
] પત્રકારત્વ : એક પડકાર
સમજવા અને જો સમજતા હોય તો સ્વીકારવા તૈયાર નથી. ફળરૂપે વ્યવસાયી પત્રકારો અને અખબારના સંચાલકો વચ્ચેના સંબંધમાં ઉત્તરોત્તર અંતર વધતું જ જાય છે. મોટા ભાગનાં અખબારોમાં સંચાલકો અને પત્રકારોના સંબંધો આત્મવિશ્વાસ અને ખુમારી સીંચનારા કૌટુંબિક સંબંધોના બદલે આજે માલિકો અને કામદારો જેવા બની રહ્યા છે અને પરિણામે નવી પત્રકાર પેઢી યંત્રવત્, બિનજવાબદાર, ઉષ્માહીન અને નિસ્તેજ થવા લાગી છે. આ જ પ્રક્રિયા જો ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં ખુમારીભર્યો સાચો પત્રકાર શોધ્યો જડી શકશે નહીં. આમ પોતાના સ્વત્વ અને ખુમારીને કેમ જાળવવાં એ પત્રકારો માટેની પહેલી સમસ્યા છે.
વ્યવસાયી પત્રકારોમાં બે ભાગ છે. એક છે રિપૉર્ટર, જે બહાર ફરીને સમાચાર મેળવતો હોય છે અને બીજો છે કાર્યાલયમાં બેસી સમાચારો કે લેખોના અનુવાદ કે સંકલનકાર્ય કરતો પત્રકાર.
પ્રથમ પ્રકારના પત્રકારની સમસ્યાનો આપણે પહેલાં વિચાર કરીએ. રિપોર્ટરોના કામનો સમય કે કલાકો નિશ્ચિત હોતા નથી. વળી આગ, હુલ્લડ, વગેરે જેવા જોખમકારક સંજોગોમાં એમણે ખડા પગે અને ક્યારેક ચોવીસ કલાક પણ કામ કરવું પડે છે. આમ છતાં તેમના પગારમાં આ અંગેનો કોઈ વિશેષ લાભ હોતો નથી. એટલું જ નહીં, પરંતુ આવી જોખમભરી કામગીરી બજાવતાં તેમને શારીરિક હાનિ પહોંચે કે જીવનભરની અપંગતા આવે તો તેની સામે તેમના કે તેમના કુટુંબની આર્થિક સલામતીની કોઈ યોજના હોતી નથી. પરિણામે ભાવી અસલામતીની લાગણીથી રિપોર્ટર કે તેનો પરિવાર સતત ગૂંગળામણ અનુભવતો હોય છે. અને સમગ્ર વ્યવસ્થાની ક્રૂર મજાક તો એ છે કે આ જ રિપૉર્ટર પાસેથી અતિજોખમી પરિસ્થિતિમાં વધુમાં વધુ કામની અપેક્ષા રખાતી હોય છે ! આમ છતાં રિપોર્ટર માટે મોટા વીમા પોતાના ખર્ચે લેવાની અખબારોએ ખેવના કરી નથી.
રિપોર્ટરોને ખાસ સંજોગોમાં કલાકો સુધી એક જ સ્થળે પડ્યાપાથર્યા રહી પરિસ્થિતિના સમાચારપ્રવાહ સાથે રહેવું પડતું હોય છે. આ કામગીરી માટે તેમને નથી તો કોઈ આર્થિક લાભ અપાતો કે નથી કોઈ તેમની સગવડની ચિંતા કરતું.
રિપોર્ટરોને પોતાના સમાચાર-સંપર્કો સાચવવા ક્યારેક કોઈ બે સમાચાર તેમના અંગેના છાપવાની કે તેમના માથે ઋણ ચડાવવાની જરૂરત પડતી હોય છે. પરન્તુ આવા પ્રસંગે કેટલાક સંચાલકો એવી શંકાથી તેમના તરફ જોતા હોય છે કે રિપોર્ટરો કંઈક ડાબા હાથનો લાભ લેતા હશે. પરિણામે રિપૉર્ટર ભારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે. ક્યારેક કોઈ રિપોર્ટ અનુચિત લાભ લેવા પ્રયાસ નહીં જ કર્યો હોય કે “કેશ ઓર કાઇન્ડ માં આવો લાભ નહીં જ લીધો હોય તેમ કહી નહીં શકાય.