________________
એક જ મુલ્કની બે કહાણી [ ૧૩૫
કાયદા દ્વારા પ્રતિબંધિત વિજ્ઞાપનો પ્રગટ કરવામાં આચારસંહિતા ચુકાય છે તો સરકારને પક્ષે કાયદાનો અમલ જ થતો નથી. આમાં આપણે દોષ લેને દઈશું ? આપણી ભાષાના સમર્થ કવિ લાભશંકરે એક વેળા ગેરમાર્ગે દોરવતાં વિજ્ઞાપનો પર એક સુંદર નાનો લેખ લખ્યો હતો. આ રીતે પ્રજામાં જાગૃતિ પ્રગટાવી શકાય. સ્મરણશક્તિ વધારી પરીક્ષામાં પાસ કરી દેતું તાવીજ કે ધાર્યું થાય એવું યંત્ર આ દુનિયામાં હોત તો કદાચ કોઈ જ દુ:ખી ન હોત અને રાજ્યના શાસન માટેની સ્પર્ધા કૉંગ્રેસ, જનતા ઇત્યાદિ પક્ષો વચ્ચે નહીં, મંત્રશાસ્ત્રીઓ વચ્ચે થતી હોત.
આમ તો વર્તમાનપત્રો વિવેક દાખવે, સરકાર કાયદો અમલમાં મૂકે છે અને સજાગ નાગરિકો પ્રજામત જાગ્રત કરે એ સિવાય કોઈ ઉપાય રહેતો નથી.
સાહિત્યિક પત્રકારત્વના વિષય પરની આજની ચર્ચામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં અવલોકનો વિશે એકબે વક્તાએ ધ્યાન ખેંચ્યું. નગરમાં જે કંઈ સાંસ્કૃતિક ઘટના બને તેની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. આમાં એક જ પત્રકાર અપવાદરૂપ છે. એ છે કૃષ્ણવીર દીક્ષિત. છેલ્લા ત્રણ દાયકાનો મુંબઈનો સાંસ્કૃતિક ઇતિહાસ કોઈને તપાસવો હોય તો કૃષ્ણવીર દીક્ષિતનાં લખાણો એ માટે પૂરતી સામગ્રી પૂરી પાડે છે. ભાગ્યે જ કોઈ સાંસ્કૃતિક કે સાહિત્યિક ઘટના એવી હશે જેની નોંધ કૃષ્ણવીર દીક્ષિતે ન લીધી હોય. સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ ત્યારે આ એક પત્રકારનો નામ પાડીને ઉલ્લેખ કરવો જરૂરી છે. નિષ્ઠા, વિવેક અને સચ્ચાઈ સાથે રાગમુક્ત રહીને કૃષ્ણવર દીક્ષિતે મુંબઈના સાંસ્કૃતિક જીવન માટે જે કંઈ કર્યું છે એ બીજા કોઈ પણ શહેર માટે કોઈ પત્રકારે કર્યું નથી એવું વિધાન લગાર પણ અતિશયોક્તિના ભય વિના કરી શકાય.
સાહિત્યિક પત્રકારત્વ વિશે આ ચારે વ્યાખ્યાનોમાં ઘણા નોંધપાત્ર મુદ્દાઓ રજૂ થયા છે. એમાંથી ચારેક મુદ્દાઓ પર જ આપણે થોડોક વધુ વિચાર અત્રે કર્યો છે. આ બંને શબ્દો પરસ્પર પૂરક હોય કે ન હોય, પરસ્પર વિરોધી તો નથી જ એ વાત પર ભાર મૂકીને આ ચર્ચાનું સમાપન કરું છું.
(અધ્યક્ષસ્થાનેથી કરાયેલું વક્તવ્ય - સંવર્ધિત)