________________
૧૩૪ ] સાહિત્યિક પત્રકારત્વ
જોવામાં આવે છે. સાહિત્યકારો નબળાં લખાણોને છાપાળવાં કહીને નિંદે છે અને પત્રકારો નબળાં લખાણોને સાક્ષરી કહી અવગણી કાઢે છે. સાહિત્યકાર અને પત્રકાર બંને ભાષા વડે પોતાનું સંવેદન વ્યક્ત કરે છે. ઉત્તમ પત્રકારત્વ ઉત્તમ સાહિત્યના સ્થાને આવી શકે છે. જ્હોન હસ્સનું હિરોશિમા વિશેનું રિપોર્ટિંગ ‘ટાઇમ' મેગેઝિનના એક અંક પૂરતું મર્યાદિત ન રહેતાં સર્વકાલીન મહત્ત્વની સાહિત્યકૃતિ બની ગયું છે. પત્રકાર સાહિત્યકાર હોવો જ જોઈએ એ જરૂરી નથી, પણ સાહિત્યકાર જો પત્રકારત્વની તાલીમમાંથી પસાર થયો હોય તો એની દૃષ્ટિનો વ્યાપ વધે છે. હેમિંગ્યું તો કોઈ પણ નવલકથાકારે છ મહિના પત્રકારત્વની તાલીમ લેવી જ જોઈએ એમ માનતા હતા. મને અંગત રીતે આ વાત સાચી લાગે છે. આપણાં સાહિત્યકારોને ક્રિકેટનો સ્કોર પૂછો કે અમેરિકામાં પ્રાઇમરીઝનો ઝોક કોના તરફ છે એ પૂછો કે અફઘાનિસ્તાનના પ્રશ્ન વિશે પૂછો તો હંમેશાં એની પાસેથી જવાબ મળશે જ એવી આશા રાખી શકાય નહીં. એ જ રીતે પત્રકારોને ગુજરાતી સાહિત્યમાં કયા નવા અવાજો આવ્યા એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. આ બહુ તંદુરસ્ત પરિસ્થિતિ નથી. પત્રકારત્વ સાહિત્યકારના વ્યાપને વધારે છે, એ સાહિત્ય પત્રકારત્વને ઊંડાણ આપે છે. સાહિત્ય અને પત્રકારત્વ એ બે જુદાં જુદાં ક્ષેત્રોની નહીં, પરંતુ એક જ મુલ્કની બે કહાણી છે. આ વિષય ઉપર હજુ વધુ કહી શકાય. ઝવેરચંદ મેઘાણી કે ડોમ મોરાઇસ જેવા પત્રકારોનાં ઉદાહરણો સાથે આ વાત વિસ્તારી શકાય. ભગવતીકુમાર કે રાધેશ્યામ વ્યવસાયી પત્રકારો તરીકે સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, સુરેશ દલાલ, મોહમ્મદ માંકડ, શિવકુમાર જોશી, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુક્લ, ચંદ્રકાન્ત બક્ષી વગેરે કટારલેખકો તરીકે કે નવલકથાકાર હરકિશન મહેતા કે વિજ્ઞાનલેખનથી આરંભ કરનારા નગેન્દ્રવિજય પ્રજાપ્રિય સાપ્તાહિકોના સંપાદકો તરીકે વિશિષ્ટ ઉલ્લેખ માગી લે છે. આ યાદી હજી પૂર્ણ નથી. આ તો અછડતાં તત્કાલ સ્મરણે ચડ્યાં તે નામો છે. પણ સાહિત્ય કે પત્રકારત્વ વચ્ચે કોઈ નાતો જ નથી એમ માનનારાઓ માટે આ યાદી એ માન્યતા તજી દેવાની પ્રેરણા કરવા માટે પર્યાપ્ત માની શકાય.
નિરંજન પરીખે મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. અઠવાડિયે સો પૃષ્ઠોમાંથી ૭૦ પૃષ્ઠો વિજ્ઞાપનનાં હોય ત્યારે સામાન્ય રીતે સ્વીકૃત ૬૦ ટકા વાચનસામગ્રી : ચાલીસ ટકા જાહેરખબરનું ધોરણ વિસારે પડાય છે. પણ અખબારી કાગળ દહાડે દહાડે જે રીતે મોંઘો થતો ચાલ્યો છે એ જોતા ૬૦ : ૪૦નું ધોરણ આજે બહુ કામ આપે એવું નથી, પરંતુ ૫૦ : ૫૦થી વધારે વિજ્ઞાપન આવે ત્યારે તો વર્તમાનપત્ર વિજ્ઞાપનપત્ર જ બની જાય છે.