________________
૧૩૦ | સાહિત્યિક પત્રકારત્વ આપણી ચેતનાને ભભૂકતી રાખે છે. હાલના યુગમાં વર્તમાનપત્રોનું પ્રભુત્વ વિશેષ છે. સાહિત્યેતર વિષયોનું જ્ઞાન તજૂ જ્ઞોની જટિલ ભાષામાં જકડાયેલું ન રહે અને સાદી સરળ ભાષામાં એ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય વર્તમાનપત્રો બજાવે છે. વિશિષ્ટ કે જટિલ ભાષામાં જકડાયેલ જ્ઞાન-માહિતી લોકો સુધી પહોંચાડીને આપણી સંસ્કૃતિ બદલવાનું અને રૂપાંતર પામી રહેલી આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરવાનું કાર્ય વર્તમાનપત્રો બજાવે છે. લોકસંસ્કૃતિની અદ્ભુત અનુભૂતિ પામવાનું સાધન વર્તમાનપત્રો છે.
સામાજિક પરિવર્તન અને ઔદ્યોગિકીકરણ પામી રહેલા દેશોમાં વ્યાપાર અને ઉદ્યોગોની સાથોસાથ કળા, વિજ્ઞાન, રમતગમત અને મનોરંજનનું પણ વ્યવસાયીકરણ થવા પામ્યું છે. શહેરોમાંથી પ્રગટ થતાં વર્તમાનપત્રોનું શહેરીકરણ થયું છે એમ માનવું ભૂલભરેલું છે – કારણ કે વર્તમાનપત્રોનું મૂળ સ્વરૂપ જ રાષ્ટ્રીય છે - લોકસંસ્કૃતિનું છે.
વર્તમાનપત્રોમાં રોજબરોજ પ્રગટ થતા ચિત્રવિચિત્ર અહેવાલોમાંથી એવા કેટલાયે અહેવાલો સુંદર રીતે - સુસંકલિત રીતે પ્રગટ થતા હોય છે કે જે આધુનિક માનવની - લોકમાનવીની ચેતનાને જાગ્રત કરે છે. સમાજના દૂષણો પ્રકાશમાં આણવાની સાથોસાથ ગુનાખોરીનાં દૂષણો ફેલાવા પામે છે. પરંતુ માનસિક સ્વસ્થતા જાળવતા પત્રકારો આ બાબતે સભાનતા પણ કેળવે છે. યુવાનોને હાનિકર્તા પ્રકાશનને લગતો ૧૯૫૭નો ધારો આ અંગે પૂરતી જોગવાઈ ધરાવે છે.
આમ છતાંયે જ્યારે આપણા રોજિંદા જીવન અંગેના પત્રકારના અહેવાલનું ખરું મહત્ત્વ એનું હાર્દ પામીએ છીએ ત્યારે પત્રકારને આપણે માનની નજરે જ જોઈએ છીએ. વર્તમાનમાં જે કંઈ બને તે માત્ર એ ઘટના જાણનાર થોડાક માણસોની જાણકારી પૂરતી મર્યાદિત ના રહે તે જોવાની ફરજ પત્રકારની છે. આવી ઘટનાઓ અંગેનાં પત્રકારનાં તત્કાલીન ઉચ્ચારણોની લોકમાનસ પર ઊંડી અસર પડતી હોય છે. પત્રકારના આવા શબ્દો – ઉચ્ચારણો એ જીવનના નિકટતમ દર્શનની સિદ્ધિરૂપ છે. પત્રકારનાં આવાં ઉચ્ચારણો લોકોમાં પ્રવર્તતા વિચારોને નવી દિશા સૂચવી બનતી ઘટનાઓને વળાંક પણ આપી શકે છે. રોજિંદા જીવનની ઘટનાઓ ઘાટ લઈ રહી હોય છે ત્યારે પણ પત્રકાર એટલી સભાનતા તો ધરાવતો જ હોય છે કે એના વાચક સાથીઓના મસ્તિકનાં કયાં ચક્રો એના શબ્દોથી ગતિમાન બનશે. આમ પત્રકાર યોગ્ય સમયે યોગ્ય શબ્દો ઉચ્ચારીને વર્તમાન રચવામાં સહભાગી બની રહે છે.