________________
૧૨૮ | સાહિત્યિક પત્રકારત્વ
કારણે અલ્પકાલીન બની ગયું છે. લોક-માનવ પાસે ફુરસદ હોતી નથી. તે પોતાના જીવનાધિકારને–અસ્તિત્વને પણ ભોગવી શકતો નથી. અમુક ચોક્કસ મર્યાદિત ઉપયોગિતાની ધ્યેયપ્રાપ્તિ સિવાય તે પોતાના અસ્તિત્વને પણ માણતો નથી–મનાવતો નથી. પરિણામે સરળ ભાષામાં કઠણ જ્ઞાન અને સમજ તેમજ માહિતીનું પ્રસારણ કરતાં વર્તમાનપત્રો પુસ્તકોનું સ્થાન લઈ રહ્યાં છે અને અલ્પાયુષી બની ગયેલાં પુસ્તકો વર્તમાનપત્રોમાં ખપવા માંડ્યાં છે.
આપણાં વર્તમાનપત્રો પર નજર માંડીએ તો એ વિજ્ઞાપનપત્રો દેખાવા માંડે છે. દૃષ્ટાંત તરીકે એક વર્તમાનપત્રના એક સપ્તાહના ૧૦૦ પાનાંના ઉત્પાદન પર નજર ફેરવીએ તો ૬૦થી ૭૦ પાનાં વિજ્ઞાપનોથી છલકાતાં દેખાય છે. પરિણામે વર્તમાનપત્ર ઉદ્યોગનો “સ્વાતંત્રમોહ', વિજ્ઞાપનના ઉદ્યોગના સ્વાતંત્ર્ય તરીકે નજરમાં ખેંચવા માંડે છે.
વર્તમાન નિર્ભીક રીતે પ્રગટ કરવા માટે મળેલું સ્વાતંત્ર્ય નભાવવા વિજ્ઞાપનો પ્રગટ કરતો વર્તમાનપત્ર ઉદ્યોગ વિજ્ઞાપનના પ્રકાશનમાં કેવી આઝાદી માણે છે ? લોકહિતના રક્ષણને દૃષ્ટિમાં રાખીને વર્તમાન પ્રગટ કરવાનો, સ્વાતંત્ર્ય આગળ ધરવાનો દાવો કરનારાઓ વિજ્ઞાપન પ્રગટ કરવાની પસંદગીમાં નીચી મૂછ ધરાવે છે. લોકમત જાગ્રત કરવાની ફરજ બજાવતાં વર્તમાનપત્રો વાસ્તવમાં તો લોકહિતનું ભક્ષણ કરતાં વિજ્ઞાપનપત્રો જ બની રહે છે.
વર્તમાનપત્રોમાં વિસ્તારવાદી મનોવૃત્તિ ધરાવતી વિજ્ઞાપનો વિશે એટલી ચોખવટ તો કરવી જ રહી કે વિજ્ઞાપનોની બાબતે કોઈ સ્વતંત્રતાનું પાલન થતું નથી – અરે વિજ્ઞાપનની સ્વતંત્રતા માટે કોઈ આગ્રહી પણ થતું નથી. વાંધાજનક વિજ્ઞાપનોને લગતા ૧૯૫૪ના ધારાનો છડેચોક ભંગ કરીને ધોળે દહાડે દેખા દેતી વિજ્ઞાપનોના કારણે લોકો લૂંટાય છે–છેતરાય છે–રહેંસાઈ જાય છે.
લગ્ન પહેલાં અથવા પાછળથી, તાકાત અને જવાનીની ભરપૂર ખુશીઓ માટે”, “સંતાનપ્રાપ્તિ તથા સંતતિનિયમન માટે....”, “બોલતો પથ્થર- નેપોલિયનની હાર”, “ભેટ થાપણ ૪થો ડ્રો” વગેરે શીર્ષકોવાળી વિજ્ઞાપનો, ચીટકુંડ, બેનિફિટ ફંડ, શબ્દરચના હરીફાઈ, વરલી મટકાના આંકની વિજ્ઞાપનો, પરદેશમાં નોકરી અપાવવા માટે રાતોરાત છપાતી વિજ્ઞાપનો દ્વારા લોકો ધોળે દહાડે લૂંટાય છે. વિજ્ઞાપનના નામે, જડીબુટ્ટીઓના નામે ખોટી ચમત્કારિક દવાઓની વિજ્ઞાપનો પ્રગટ કરવા માટે વર્તમાનપત્રના સ્વાતંત્ર્યનો, વ્યાપારઉદ્યોગના સ્વાતંત્ર્યનો, દુરુપયોગ વિજ્ઞાપનો દ્વારા જ થાય છે.