________________
૧૦૨ | સાહિત્યિક પત્રકારત્વ જાણ્યો નથી. આ વિદગ્ધ સુધારકોની વિચારલક્ષી પ્રવૃત્તિઓમાં, એમનાં સામયિકપત્રોના માધ્યમથી, પત્રકારી સક્રિયતા પણ ઉમેરાઈ હતી.
આ બધા પરથી એક બીજું કારણ એ નીકળી શકે કે શરૂઆતને તબક્કે પત્રકારત્વ' અને આપણે જેને ‘સાહિત્યિક પત્રકારત્વ' તરીકે ઓળખાવીએ છીએ એ બે વચ્ચે પણ ઘણો ઓછો ભેદ હતો. અંગ્રેજીમાં પત્રકારવિદ્યા(જર્નાલિઝમ)ની અને બીજી બાજુએ સાહિત્યલક્ષી સામયિકપ્રવૃત્તિની જે ક્રમશઃ અલગ, સ્વતંત્ર વિકસેલી લાંબી પરંપરાઓ હતી એનો સંપર્ક આપણને તો એક્સામટો, એકસાથે જ થયો. મુદ્રણયંત્રે એને રસ્તો કરી આપ્યો ત્યારે આપણા સુધારકો-વિચારકો-સાહિત્યકારોએ એ બધી દિશાઓને એકસાથે ગ્રહી. સમાચાર, જાહેરખબર આદિ સામગ્રીને બાદ કરીએ તો આપણાં શરૂઆતનાં, સુધારાલક્ષી વિચારપત્રો જેવાં સામયિકો પણ પત્રકારી મિજાજ દેખાડતાં રહ્યાં હતાં. પ્રજાહિત માટેનાં એ પ્રહરીઓ હતાં.
એક પ્રશ્ન એ થાય કે આ સુધારાલક્ષી વિચારપત્રોને સાહિત્યનાં સામયિકો ગણાવવાનું કારણ કર્યું ? આમ તો એ પછી પણ વર્ષો સુધી આપણાં સાહિત્યસામયિકોએ સાહિત્યની સાથેસાથે કે ગૌણ ભાવે વિચાર-ચિંતનનાં પત્રોની ભૂમિકા ભજવી છે. પરંતુ એના તંત્રીઓ મુખ્યત્વે સાહિત્યકારો હતા એટલે એમનું મુખ્ય વલણ સાહિત્ય-વિષયક લખાણો પ્રગટ કરવાનું રહ્યું. એ કારણે આ સામયિકોનું મુખ્ય પ્રદાન સાહિત્યના ક્ષેત્રમાં ગણાયું છે. આરંભકાલીન સામયિકોના તંત્રી-સંપાદકો પણ સાહિત્યકારો હતા – સુધારક સાહિત્યકારો. એથી, પ્રવૃત્તિલેખે એમનાં સામયિકોની સામગ્રી સમાજધર્મ-સુધારણાની રહી પણ એમાંનાં લખાણોનું સ્વરૂપ – એનું ગદ્યરૂપ– સાહિત્યકારની લાક્ષણિકતાઓને પ્રગટાવનારું બન્યું. સાહિત્યસ્વરૂપોનો નવપ્રસ્થાનલક્ષી વિકાસ પણ આ સામયિકોને આધારે થતો રહેલો. એ સર્વ અર્થમાં એ “સાહિત્યસામયિકો' હતાં.
ઈ. ૧૮૫૦માં “બુદ્ધિપ્રકાશ' શરૂ થયું ત્યારથી માંડીને આજ સુધીનાં દોઢસો વર્ષોનાં સામયિકોનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. એ એક બૃહદ અધ્યયનનો વિષય છે. એટલે અહીં તો એક ઝડપી વિહંગદર્શન થઈ શકે. મુખ્ય સામયિકોનાં લાક્ષણિકતા અને વલણોની પણ એક રેખા જ ઉપસાવી શકાય.
૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો - કેટલીક વિશેષ વિગતો
ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના તેમજ વર્તમાન સમયની સર્વ બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રસારવાના ફાર્બસના સદાશયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મુખપત્રરૂપે શરૂ કરાયેલું “બુદ્ધિપ્રકાશ' (૧૮૫૦) શરૂઆતમાં ૧૬ પાનાંનું પાક્ષિક