________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત
રમણ સોની
મુદ્રણયંત્ર આવ્યું ને વર્તમાનપત્રો તથા સામયિકો શરૂ થયાં – એવું વિધાન એક તથ્યલેખે ખોટું નથી, તોપણ એક ઘટનાલેખે આ વાત એટલી સરળ અને સીધી નથી. અલબત્ત, મુદ્રણયંત્ર સાધન ઉપરાંત એક મહત્ત્વનું પરિબળ પણ હતું, પરંતુ સૌથી મોટું પ્રેરક પરિબળ તો નવજાગૃતિને કારણે આવેલી સક્રિયતા હતું જેણે આ વર્તમાનપત્રો અને સામયિકોની સામગ્રીનું તેમજ એમનાં સ્વરૂપનું ઘડતર કર્યું. એ આખીય પ્રક્રિયા અંગ્રેજી સંસ્કૃતિનાં દેખાતાં અનુસરણોથી માંડીને સ્વતંત્ર મથામણો અને પ્રવૃત્તિઓ સુધી વિસ્તરેલી હતી; એટલે કે ઠીકઠીક સંકુલ હતી.
ભારતમાં તેમ ગુજરાતમાં મુદ્રણયંત્રો – પહેલાં તો શીલાછાપ યંત્રો- આવતાં જ મુદ્રિત સામગ્રીનો વિસ્ફોટ થવા માંડેલો. ઈ. ૧૭૮૦માં બંગાળીમાં “બંગાળ ગેઝેટ' નામે વર્તમાનપત્ર પ્રગટ થયું અને ગુજરાતમાં રૂસ્તમજી કેરશાસ્પજી નામના પારસી સજ્જને પહેલી વાર છાપખાનું સ્થાપીને ઈ. ૧૭૮૦નું પંચાંગ છાપેલું.
જેમ રંગભૂમિ-પ્રવૃત્તિમાં એમ મુદ્રણની પ્રવૃત્તિમાં પણ પારસીઓ અગ્રેસર રહ્યા. તરત કશુંક નવું કરવાની તાલાવેલી અને સાહસભર્યા ઉત્સાહથી પ્રેરાઈને એમણે વિવિધ કાર્યો આરંભ્યાં એમાં મોટે ભાગે તો અનુસરણવૃત્તિ હતી; ક્યાંક થોડાકે સ્વતંત્ર દૃષ્ટિ-શક્તિથી પણ કામ કર્યા હતાં. આ અગ્રેસરપણાનું એક સારું પરિણામ તે ઈ. ૧૮૨૨માં ગુજરાતી ભાષામાં શરૂ થયેલું પહેલું વર્તમાનપત્ર “મુમબઈના સમાચાર' (જે પછી “મુંબઈ સમાચાર' તરીકે આજ સુધી ચાલતું રહ્યું છે).
એ પછી મુંબઈમાં અને અમદાવાદ, સુરત વગેરે ગુજરાતનાં બીજાં શહેરોમાં પણ વર્તમાનપત્રો શરૂ થયાં. (એથીય વધુ છાપખાનાં શરૂ થયાં.) સમાચાર, જાહેરખબર, સાહિત્યસામગ્રી તથા અન્ય જ્ઞાનલક્ષી સામગ્રી દ્વારા પ્રજાની જિજ્ઞાસા અને જરૂરિયાતો સંતોષવાનું તેમજ કંઈક અંશે નવી જાગૃતિ પ્રસારવાનું કામ એમણે ઉપાડ્યું. પરંતુ, તે વખતે કેટલાક અંગ્રેજ પત્રકારોએ અહીંનાં એકબે અલ્પજીવી અંગ્રેજી વર્તમાનપત્રોમાં દાખવેલી એવી પત્રકારી તીવ્રતા આ ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાગ્યે જ જોવા મળતી હતી.
એ કર્યું સામયિકોએ, નર્મદ(“ડાંડિયો')માં કે કરસનદાસ મૂળજી(‘સત્યપ્રકાશ')માં જે તીખાશ અને આક્રમકતા હતાં; એમના આંદોલનકારી અવાજમાં જે પત્રકારી તારસ્વર સંભળાયેલો એ તે વખતનાં વર્તમાનપત્રોના અધિપતિઓમાં બહુ સંભળાયેલો