________________
૬૫
વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.
આપણે સમય એ કેટલી કીમતી વસ્તુ છે તે ખરી રીતે જાણતા નથી. આ મનુષ્યભવનું એક પળનું આયુષ્ય એક અમૂલ્ય કૌસ્તુભમણિથી પણ વધુ મૂલ્યવાન છે. બીજા બધા અવતાર કરતાં માનવદેહ બહુ જ મોંઘો છે માટે તેની પળપળનો સઉપયોગ કરવો જરૂરી છે. નિદ્રા, વિકથા, પ્રમાદમાં ન ગુમાવાય તે ખ્યાલ રાખજે. “સાઠ ઘડીના અહોરાત્રમાં ૨૦ ઘડી નિદ્રામાં ગાળીએ છીએ; બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટોલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બેચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગ લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય?” (શિ.પાઠ ૫૦)
“જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. પણ જો દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે.” (વ.૭૨૫)