________________
શોધ-ખોળની પગદંડી પર
૧૨૫
શુભશીલગણિ. ‘વિક્રમચરિત્ર' સંપા. ભગવાનદાસ હરખચંદ, ૧૯૪૦. ભોજદેવ. ‘શૃંગારમંજરીકથા' : સંપા. કલ્પલતા મુનશી, ૧૯૫૯. ભદંત આનંદ કૌસલ્યાયાન, ‘જાતક’ (હિન્દી અનુવાદ), ચતુર્થ ખંડ, ૧૯૫૧. (‘સમુગ્ધ જાતક’, પૃ. ૧૮૭ - ૧૯૧). જ્યંતીલાલ દવે. ‘ઉત્તર ગુજરાતની લોકવાર્તાઓ,' ૧૯૯૦.
(૨) દાનેશ્વરી રાજા ચંદ્રશેખર અને વીર વિક્રમ : ‘સિંહાસન-દ્રાત્રિંશિકા’ની સત્તરમી વાર્તાનું એક પ્રાચીન પ્રાકૃત રૂપાંતર શામળનું રૂપાંતર
શામળ ભટની ‘સિંહાસનબત્રીશી' ની નવમી વાર્તા- ‘હંસની વાર્તા’ (રચનાવર્ષ ૧૭૨૫ લગભગ)માં, માનસરોવરના હંસોએ ઇંદ્રસભામાં વિક્રમનો મહિમા ગાયો તેથી કોપેલા ઇંદ્રે હંસોને કારાગૃહમાં પૂરી દીધા, અને હંસણીની ફરિયાદથી વિક્રમ તેમને છેવટે કઈ રીતે છોડાવી લાવ્યો એવી મુખ્ય વાર્તામાં બે આડકથાઓ આવે છે. તેમાં પહેલી આડકથા સુખવંતીવગરીના દાનેશ્વરી રાજા નિર્દોષવાહનની છે. એ રાજાએ જે કોઈ પરદેશી તેના નગરમાં આવે તે બધાની પૂરેપૂરી મહેમાનગતિ કરવાનો પ્રબંધ કરેલો. આટલું ધન રાજા કયાંથી ખરચી શકે છે તેનો ભેદ વિક્રમે ૨ાત્રીચર્યામાં તે રાજાની પાછળ પાછળ જઈને ઉકેલ્યો. નિર્દોષવાહન રોજ અર્ધી રાત્રે નગરબહાર સાગરકાંઠે ચોસઠ જોગણીઓને પોતાનું શરીર ભક્ષ્ય તરીકે ધરી દેતો. જોગણીઓ તેના શરીરનું લોહીમાંસ ભરખી જતી અને પછી બાકી રહેલાં હાડકાં પર અમૃત છાંટીને રાજાને સજીવન કરતી. બદલામાં જોગણીઓ સોનામહોરનો વરસાદ વરસાવતી. પરદુઃખભંજન વિક્રમે નિર્દોષવાહનનું આ રોજનું કષ્ટ ભાંગવા પોતાના શરીરને ચીરી તેમાં સાકર ને મેવામિઠાઈ ભરી નિર્દોષવાહન પહોંચે તે પહેલાં જોગણીઓને તે ભોગ તરીકે ધરી દીધું. જોગણીઓએ વિક્રમના દેહને ભરખી જઈ, પછી તેને સજીવન કર્યો. પ્રસન્ન થયેલી જોગણીઓ પાસે વિક્રમે વરદાનમાં નિર્દોષવાહનનું શરીર ભરખ્યા વિના તેને નિત્ય જોઈતું ધન આપવા માગણી કરી. જોગણીઓએ એ રાજાને સોંપવા વિક્રમને ચિંતામણિ આપ્યો અને વિક્રમને પોતાને માટે એક ચમત્કારી ઝાલની જોડી આપી, જેને પહેનારી સ્ત્રી અને તેનો પતિ જરા ને વ્યાધિથી મુક્ત રહે. વિક્રમ પાછો ફર્યો એટલે નિર્દોષવાહન તેને સામો મળ્યો. વિક્રમે બની તે વાત કહીને તેને ચિંતામણિ આપ્યો, નિર્દોષવાહનનું મન ઝાલમાં પણ લલચાયું, એટલે વિક્રમે તે પણ તેને ભેટ આપી દીધી. લોકોમાં પહેલો દાનેશ્વરી કર્ણનો પહોર કહેવાતો, બીજો નિર્દોષવાહનનો પહોર કહેવાયો.