________________
લોક સાહિત્ય
(૧) બે લોકકથા ૧. સૌભાગ્યસુંદરી : એક સ્ત્રીચરિત્ર-વિષયક કથા
શુભશીલગણિએ ઈ.સ.૧૪૩૪માં સંસ્કૃત ભાષામાં રચેલા “વિક્રમચરિત્રમાં સતી-અસતી-પરીક્ષા વિશે સૌભાગ્યસુંદરી અને ગગનધૂલિ વણિકની કથા આપી છે (પૃ. ૧૯૭૪ અને પછીનાં; શ્લોક ૧૦.૩૩૯ અને પછીના). તેનું વસ્તુ નીચે પ્રમાણે છે :
એક વાર ઉજેણીનગરીમાં નગરચર્ચા જોવા નીકળેલા રાજા વિક્રમે બે વણિકકન્યાઓની વાતચીત સાંભળી. એક કહેતી હતી કે હું જેને પરણીશ તેને દેવ માનીને સેવા કરીશ. બીજી કહેતી હતી કે હું તો મારા વરને છેતરીને પરપુરુષ સાથે મજા કરીશ. સૌભાગ્યસુંદરી નામની એ બીજી વણિકકન્યાનું અભિમાન ઉતારવા વિક્રમાદિત્યે વિચાર્યું. તેના પિતા પાસે માગું નાખીને તેને તે પરણ્યો અને તેને એકાંતમાં એકદંડિયા મહેલમાં રાખી.
એક વાર વિક્રમ નહોતો ત્યારે ઝરૂખામાં બેઠેલી સૌભાગ્યસુંદરીએ નીચે રસ્તા પર આવતા એક રૂપાળા યુવાનને જોયો. આવી મળવાનું નોતરું લખીને પાનબીડું તેના ઉપર ફેંક્યું. એ વેપાર અર્થે ઉજેણી આવેલો ચંપાનગરીનો વેપારી ગગનધૂલિ હતો. તે રાત્રે ઝરુખામાં ચડીને સૌભાગ્યસુંદરીને આવી મળ્યો. આનંદપ્રમોદ કર્યા પછી રાણીએ તેને કહ્યું કે તારે દરરોજ રાત્રે રાજા વિદાય થાય તે પછી આવવું અને કોઈ વાર રાજા અચાનક આવી ચડે તો ત્યાં આવાસમાં જ સંતાઈ રહેવું. વિક્રમાદિત્યે સૌભાગ્યસુંદરીના સ્નેહમાં ટાઢાશ અનુભવી તેથી અને બીજાં ચિહ્નો ઉપરથી પણ તે પામી ગયો કે સૌભાગ્યસુંદરી કોઈ પરપુરુષ સાથે હળી છે. પરંતુ તેણે કશું કહ્યું નહીં.
એક વાર એ મહેલ પાસેના વનમાં ભમતા વિક્રમે એક જોગીને જોયો. જોગીએ પોતાની ઝોળીમાંથી એક કન્યાને પ્રગટ કરી, તેની સાથે ભોગ કરીને તે નિદ્રાધીન થયો. એટલે પેલી સ્ત્રીએ પણ ઝોળીમાંથી એક જુવાનને પ્રગટ કરી તેની સાથે ભોગ કર્યો અને જોગી જાગે તે પહેલાં તેને ઝોળીમાં પાછો સમાવી દીધો. સ્ત્રીચરિત્રની આવી ગહનતા જોઈ વિસ્મિત થયેલા વિક્રમે એક વાર જ્યારે એકદંડિયા મહેલમાં ગગનધૂલિ છુપાયો હતો ત્યારે પેલા જોગીને ભોજન લેવા નોતર્યો. ભોજનવેળા થઈ એટલે વિક્રમે જમનારા માટે પાંચ આસન મુકાવ્યાં. પહેલા આસન ઉપર પોતે બેઠો. બીજા ઉપર જોગીને બેસાર્યો. પછી વિક્રમે જોગીને એની ઝોળીમાંથી જોગણી કાઢવા કહ્યું. એ જોગણીને ત્રીજે આસને બેસારી. પછી જોગણીને કહ્યું કે ઝોળીમાંથી તારા જારને કાઢ. તેને ચોથે આસને બેસાર્યો. પછી સૌભાગ્યસુંદરીને તેના પ્રેમીને