________________
સત્સંગ-સંજીવની GERS SMS
(૪) કોઈ પતિ રંજન અતિઘણું તપ કરે રે, પતિ રંજન તન તાપ, - એ પતિ રંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ૪ ||
અર્થ : વળી હે શ્રદ્ધા સખિ ! કોઈ પતિના મેળાપને માટે, પતિરંજન થવા સારૂ અતિ ઘણો કહેતાં અનેક પ્રકારે તપ કરે છે એટલે કે એકાંત બાહ્ય ક્રિયા, શુદ્ધાશુદ્ધ વિચાર વિના લોક કે ઓઘ સંજ્ઞાએ સામાયિક, ચોવિહાર, પોરસી, ઉપવાસ, પૌષધ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તથા વળી કોઈ પતિના રંજન અર્થે શરીરને સુકવી નાંખે છે એટલે આતાપના લે છે, તથા માસ ક્ષમણાદિ ને છ માસી તપ કરે છે, તેમજ દ્રવ્ય ત્યાગ અને કેશ લોચન કરે છે. એ પ્રકારે જે જે એકાંત બાહ્ય ક્રિયા આગ્રહ - જડ પણ કરે છે તે તે પ્રકારનો પતિને રંજન થવાનો માર્ગ મેં ચિત્તને વિષ ધર્યો નથી એટલે તે તે પ્રકારે સ્વરૂપ દશાને પમાય નહીં. પણ પતિનું જે રાજી થવું તે તો ધાતુના મેળાપની પેઠે થાય છે એટલે જેવી પતિની પ્રકૃતિ છે તેવી પ્રકૃતિવંત છતો મળે, તેથી રાજી થાય કહેતાં આત્મસ્વરૂપને પામે. (૫) કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
- દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. / ૫ // અર્થ : વળી કેટલાક તો એમ કહે છે કે પરમાત્માની લીલા અલખ કહેતા લખી ન જાય તેવી છે. તેથી જે જે ઈચ્છાએ જે કાંઈ કરીશું તે તે પ્રમાણે આપણી ઈચ્છા પૂરી પાડશે અથવા એની મેળે આપણો ઓધાર કરશે. હે સખિ ! એવા જે નિર્દોષ એટલે રાગાદિ દોષ રહિતને લીલા ઘટે નહીં તથા નિર્દોષને લીલાનો વિલાસ હોય નહીં અને પરમેશ્વરને જે લીલા દેવરાવવી એતો ઘેલીનું પહેરણું સાચું એમ થયું. (૬) ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ,
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. // ૬ // અર્થ : પણ પતિનો મેળાપ કેવા પ્રકારથી થાય તે હે સખિ ! તું સાંભળ. ચિત્તની પ્રસન્નતાએ કરી પરમ પ્રેમ, એક રસ પણે, અખંડિત ભાવે - એટલે કયારેય પણ ચલિત ન થાય એવા નિજ ઉપયોગની તારતમ્યતાએ જે પૂજનનું ફળ કહ્યું છે તે પ્રમાણે પૂજા કરે અને તે પણ કપટ રહિત નિષ્કામપણે, નિષ્કપટ થઈને, બહિરાત્મપણું ત્યાગીને અંતર આત્માને વિષે સ્થિર સ્વભાવે આત્મ સ્વરૂપને ચિંતવતો, આનંદ શબ્દ જ્ઞાનાનંદનું જે પદ એટલે નિજરૂપમય અનિંદ્રીય સુખ તેની રેખાને પામે અર્થાત્ વિલાસને પામે.
ઈતિ પ્રથમ જિન સ્તવન સમાપ્ત
બીજા શ્રી અજિત જિનનું સ્તવન (૧) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ,
જે તે જીત્યારે તેણે હું જીતીયો રે, પુરૂષ કિશું મુજ નામ ....પંથડો / ૧ // અર્થ : મહાત્મા આનંદઘનજી સુમતિ પ્રત્યે કહેતાં છતાં અને જગતના જીવોને ઉપદેશરૂપે જણાવતાં છતાં કહે છે કે – બીજા જિનેશ્વરના મારગને નિહાળું – કહેતાં જોઉ એટલે જે પદને અજિત પ્રભુ પામ્યા તે પદને હું ગવેણું . તે અજિતનાથ કેવા છે !- જે રાગદ્વેષ જિત્યા ન જાય તેવા અજીતને જેણે જિત્યા છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણ જેના ધામ છે એવા હે પરમેશ્વર ? જેને તમે જીતી ગયા તે રાગદ્વેષ મને જીતી જાય છે, તો હે પરમેશ્વર ! મારૂં પુરૂષ નામ કીસ્યું કારણકે સ્વધર્મની ઓળખાણ રાગાદિક દોષથી રહિતપણે થાય છે. તે દોષોને હું જીતી શક્યો નહીં અર્થાત્ તે દોષને જે જીતે નહીં તેનું પુરૂષ નામ કહેવાય નહીં.
૨૨૭