________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૧ આ પાઠ અને તેનો અર્થ આચાર્ય મહારાજશ્રી આર્યકૃષ્ણજી શિષ્યોને સમજાવતા હતા. તે સાંભળીને શિવભૂતિ મુનિ વડે ગુરુજીને કહેવાયું કે હે ગુરુજી! અત્યારે આ કાલે ઔધિક અને ઔપગ્રહિક (સામાન્યપણે અનેક અથવા સહાયકારીપણે અનેક પ્રકારની) ઉપધિ કેમ રખાતી હશે ? તે પ્રભુએ કહેલો આવો સુંદર જિનકલ્પ જ શા માટે સ્વીકાર નથી કરાતો ? - ત્યારબાદ ગુરુજી વડે કહેવાયું કે જંબુસ્વામી મોક્ષે ગયા ત્યારથી સંઘયણ આદિ વિશિષ્ટ બળની સામગ્રીના અભાવે આ માર્ગ વિચ્છેદ પામ્યો છે. હાલ વર્તમાનકાળે તે જિનકલ્પ આદરવો શક્ય નથી. - ત્યારબાદ શિવભૂતિ વડે કહેવાયું કે “હું જીવતે છતે તે જિનકલ્પ વિચ્છેદ પામ્યો કેમ કહેવાય ? હું પોતે જ તે જિનકલ્પ સ્વીકારી બતાવું. પારમાર્થિક રીતિએ તો પરલોકના અર્થી જીવે તે જિનકલ્પ જ આદરવો જોઇએ. કષાય-ભય અને મૂછદિના હેતુ ભૂત એવા અને અનર્થકારી એવા વસ્ત્ર-પાત્ર આદિના પરિગ્રહને રાખવા વડે સર્યું ? અને આ જ કારણથી જૈનશાસ્ત્રોમાં મુનિઓ માટે નિષ્પરિગ્રહત્વ જ (કોઈ પણ જાતનો પરિગ્રહ જ નહીં) આમ જ કહેલું છે. અને “ખુદ તીર્થકર ભગવંતો પણ અચેલક જ હતા. તેથી અચલકતા જ (એટલે કે વસ્ત્રરહિતતા જ અર્થાત્ નગ્નતા જ) રાખવી સુંદર કહેવાય.”
ત્યારબાદ ગુરુજી વડે કહેવાયું કે “જો આમ જ છે તો શરીર હોતે છતે તે શરીરસંબંધી કષાય-ભય અને મૂછદિ દોષો કોઈ કોઈ મુનિઓમાં સંભવે છે. તેથી તે કાયા પણ વ્રતગ્રહણ કરતી વેળાએ વ્રતગ્રહણ કર્યા પછી તુરત જ ત્યજવા લાયક બનશે (અર્થાત્ આપઘાત કરીને મૃત્યુ જ પામવાનું રહેશે). માટે આ તારો કરેલો અર્થ બરાબર નથી.
પરંતુ સૂત્રમાં જે નિષ્પરિગ્રહત્વ કહ્યું છે તેનો અર્થ ધર્મનાં ઉપકરણોમાં પણ મૂછ ન કરવી આમ મૂર્છાના અભાવને જ નિષ્પરિગ્રહત્વ જાણવું. પરંતુ સર્વથા ધર્મ ઉપકરણોનો પણ ત્યાગ કરવો તે નિષ્પરિગ્રહત્વ ન સમજવું. આવો ગુરુજી એ ખુલાસો કર્યો.
| જિનેશ્વર ભગવંતો પણ સર્વથા અચેલક ન હતા. “ત્રે વિ ફૂલે નિમાયા બિનવા ડબ્બી” સર્વે પણ જિનેશ્વર ભગવંતો એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે જ દીક્ષિત થયા છે.” આ પ્રમાણેનું શાસ્ત્રકારનું વચન છે.
આ પ્રમાણે તે ગુરુજી વડે, તથા સ્થવિર મુનિઓ વડે ઉપર કહ્યા પ્રમાણેની અને હવે કહેવાતી દલીલો દ્વારા તે શિવભૂતિને સમજાવવા છતાં પણ તેવા પ્રકારના કષાયમોહનીય કર્મ તથા મિથ્યાત્વમોહનીય વિગેરે કર્મના ઉદયથી આ શિવભૂતિ પોતાના હઠાગ્રહથી પાછા ફર્યા નહીં. પરંતુ વસ્ત્રોનો ત્યાગ કરીને (નગ્ન બનીને) ત્યાંથી નીકળ્યા.