________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૨૭
બાબતમાં અપસિદ્ધાન્ત શું છે ? અર્થાત્ અપસિદ્ધાન્ત કંઈ છે જ નહિ. મારો સિદ્ધાન્ત સંપૂર્ણપણે સાચો જ છે. કારણ કે તે પુંછડી એ જીવનો એક દેશભાગ છે તેથી નોજીવ જ છે. આમ માનવામાં અને કહેવામાં શું દોષ છે ? ।। ૨૪૫૯ ॥
વિવેચન :- ગુરુજી રોગુપ્તમુનિને કહે છે કે “રાજસભામાં વાદની અંદર વાદીને તારા વડે જે જિતાયો” તે ઘણું સારૂં જ કામ કરાયું છે પરંતુ ત્યાંથી ઉભા થતા તારા વડે અન્તે આમ કેમ ન કહેવાયું કે “નોજીવ નામનો આ ત્રીજો પક્ષ એ અમારા માટે તો ખોટો જ સિદ્ધાન્ત છે.” સાચું નથી. જીવ અને અજીવ આમ બે જ રાશિ અમારા સિદ્ધાન્તમાં ભગવાને કહેલી છે. માત્ર તે પરિવ્રાજકને જિતવા માટે જ મેં કલ્પના કરીને આ ત્રણ રાશિની વાત કરી હતી. ખોટી રીતે રજુ કરાયેલી આ ત્રિરાશિની વાત તે પરિવ્રાજક તોડી શક્યો નથી. માટે તે હાર્યો છે. ૫રમાર્થથી તો બે રાશિ જ છે. આટલું સભામાં જઇને તું કહી આવ.
સભા પુરી થયાને આટલો કાળ ગયો છે. તો પણ રહીસહી તે સભાની મધ્યે જઇને તું કહી આવ. ત્રણ રાશિવાળી વાત એ અમારો સિદ્ધાન્ત નથી. અમારા માટે તો અપસિદ્ધાન્ત જ છે. (ઉત્સૂત્ર જ છે). પરંતુ તે પરિવ્રાજક જે છે. તેની બુદ્ધિનો પરાભવ કરવા માટે મારા વડે આ કલ્પના કરાઇ હતી. તેને અભિમાનમાંથી છોડાવવો હતો એટલે મેં આ કલ્પના કરેલી છે બાકી બે રાશિવાળો પક્ષ જ સાચો છે. આટલું તું રાજસભામાં બોલી આવ-કહીને આવ.
આમ ગુરુજી વડે વારંવાર-અનેકવાર કહેવાયું તો પણ તે રોહગુપ્ત રાજસભામાં જઇને ક્ષમા તો માગતો નથી જ, પરંતુ પોતાના કહેલા સિદ્ધાન્તમાં મજબૂત બનીને ગુરુજીની સામે પ્રત્યુત્તર કરે છે કે
“રાજસભામાં મેં જે કંઈ કહ્યું તે કંઇ જ અપસિદ્ધાન્ત નથી” સાચો જ સિદ્ધાન્ત છે કારણ કે નોજીવ નામની ત્રીજી રાશિ સ્વીકારવામાં જો કોઈ દોષ હોત તો આ અપસિદ્ધાન્ત થાત. પરંતુ આમ નથી. અર્થાત્ કોઈ દોષ નથી જ. મારો આ સિદ્ધાન્ત સાચો જ છે.
કેમ દોષ નથી ! ગિરોળીના પુંછડા આદિ ભાગને જીવના એકભાગને નોજીવ તરીકે સ્વીકારાય તો તેમાં શું દોષ આવે ? અંશમાત્ર હોવાથી નોજીવ કહેવાય. તેમાં કોઈ પણ દોષ અમને દેખાતો નથી. તો અપસિદ્ધાન્તત્વ નામના દોષને દૂર કરવા માટે મને ત્યાં જવાની પ્રેરણા શા માટે તમે આપો છો ? આ સિદ્ધાન્ત સો ટચના સોના જેવો સાચો જ છે કંઈ જ ખોટું નથી. આ પ્રમાણે રોહગુપ્તે ગુરુજીને કહ્યું ॥ ૨૪૫૮-૨૪૫૯ ॥