________________
૩૧
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ચક્ષુથી અગોચર છે અર્થાત્ અદશ્ય છે, તો પછી જે જીવ દ્રવ્ય છે, તે તો અરૂપી જ દ્રવ્ય છે અને વર્ણાદિ ગુણોથી રહિત જ દ્રવ્ય છે. તે જીવ દ્રવ્ય ચક્ષુથી ન દેખાય તેમાં શું આશ્ચર્ય ? જેમ ચક્ષુથી ન દેખાવા છતાં રૂપી એવો વાયુ જો જગતમાં છે, તેમ ચક્ષુથી ન દેખાતો એવો અરૂપી જીવ પણ જગતમાં છે જ, આમ માનવું જોઈએ.
“વાયુ” ચક્ષુથી દેખાતો નથી, તો પણ પ્રગટ લક્ષણોથી “વાયુદ્રવ્ય” છે, આમ સમજી શકાય છે. (૧) કંપન (૨) ધૃતિ અને (૩) શબ્દાદિક એવાં પ્રત્યક્ષ લક્ષણોથી “વાયુ” દુનિયામાં છે. આમ સમજી શકાય છે. વેલડી વિગેરે વૃક્ષોની શાખા હાલ-ચાલે છે, તેથી તેનો પ્રેરક વાયુ છે તથા અર્ક-તુલાદિને (રૂના ગુચ્છાદિને) આકાશમાં અદ્ધર ધારણ કરી રાખવા રૂપ ધૃતિધર્મ જણાતો હોવાથી તેનો કર્તા વાયુ છે. આમ જણાય છે તથા ઝંઝાવાતાદિક રૂપે પ્રચંડ શબ્દ (અવાજ) કરવા રૂપ શબ્દાદિક લિંગોથી વાયુ છે. આમ સમજી શકાય છે.
જો અદેશ્ય એવું વાયુ દ્રવ્ય ન હોત તો લતા વિગેરેનું હાલવુંચાલવું, અર્ક-તુલાદિકનું આકાશમાં અદ્ધર ટકી રહેવા રૂપ ધૃતિ અને ઝંઝાવાતાદિ રૂપે પ્રચંડ શબ્દ, વંટોળાયા આદિનો પ્રચંડ શબ્દ આ લિંગો હોત નહીં, પણ આ લિંગો સર્વ માણસોને જણાય છે. માટે તેનો પ્રેરક કર્તા વાયુ ભલે દેખાતો નથી, તો પણ અદશ્ય એવો વાયુ અવશ્ય છે. આ અનુમાનથી વાયુદ્રવ્યની સિદ્ધિ થાય છે. તો અરૂપી એવો આત્મા હોય એમાં શું નવાઈ ?
પ્રશ્ન :- વાયુદ્રવ્ય ન દેખાતું હોવા છતાં પણ તેને જણાવનાર કંપનધૃતિ અને શબ્દ ઇત્યાદિ લિંગો દેખાય છે. માટે વાયુદ્રવ્ય છે. આ તો સમજાય તેમ છે, પરંતુ “આત્મદ્રવ્ય” તો અરૂપી છે, તો પછી “આત્મદ્રવ્ય હશે જ' તેની ખાતરી શું? તે વાતમાં પ્રમાણ કોઈ બેસતું નથી ?