________________
૩૨૮
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ પરંતુ જેનાં બને લોચન સારાં છે, અર્થાત્ આંખે બરાબર દેખે છે જેની આંખો અનુપહત (ખામી વિનાની) છે તેવા જીવો તે જ હાથીને કર-ચરણ અને દંતાદિ અવયવોથી તથા સંસ્થાનથી એટલે કે આકારથી અને રૂપાદિથી વિશિષ્ટ (એટલે કે તે હાથી જેવો છે તેવો પરિપૂર્ણ) પણે દેખે છે તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને સમજતો છતો જ્યાં જે રીતે વસ્તુ ઉપકારક થાય છે ત્યાં તે રીતે વસ્તુને જોતો છતો વસ્તુને તે જ રીતે પ્રતિપાદન કરતો છતો સર્વ નયોને માન્ય તે વસ્તુને સ્વીકારે છે. સર્વ નિયોની અપેક્ષા રાખીને વસ્તુને તે તે રૂપે સમજે છે અને સમજાવે છે. માટે તે જીવ યથાર્થજ્ઞાની અને યથાર્થવક્તા થાય છે.
આ સમ્યગ્દષ્ટિ આત્મા મનમાં બધા જ નયો સમજે છે ફક્ત પ્રયોજન ન હોવાથી સર્વ નયોની વાતો રજુ કરતો નથી. ઉદાસીન થઈને વર્તે છે. જ્યાં જ્યાં જે નયની આવશ્યકતા દેખાય છે ત્યાં ત્યાં તે નયની પ્રધાનતા કરીને પ્રરૂપણા કરે છે. કોઈ નયની તે જીવ નથી નિંદા કરતો કે નથી પ્રશંસા કરતો. કારણ કે તે તે નયના અવસરે તે તે નયની આવશ્યકતા પણ રહે છે. માટે યથાસ્થાને નયયોજના કરે છે.
જેમકે કાગળમાં ચિતરેલો ઘડો કે જે નૈગમનયથી ઘટ છે અને માટીનો બનેલો ઘટ કે જે ઋજુસૂત્રનયથી ઘટ છે. આ બન્ને ઘટ હોવા છતાં પાણી ભરવું હોય તો જુસૂત્રનયવાળા ઘટને જ પ્રધાન કરે છે. પાણી ભરવા માટે કાગળમાં ચિતરેલા ઘટને સ્વીકારતો નથી. પરંતુ ઘટનું ચિત્ર માત્ર દોરવું હોય તો તે કાગળના ઘટને જ લે છે પણ પાણીથી ભરેલા ઘટને ચિતરવાના સ્થાને લાવતો નથી. આ વાત જેમ સમજાય છે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા બધા જ નયોને જાણતો હોવા છતાં પણ જ્યાં જ્યાં જે જે નયની આવશ્યકતા હોય છે ત્યાં ત્યાં તે જ નયને પ્રધાન કરે છે. શેષ નયો પોતે જાણતો હોવા છતાં ત્યાં જરૂરી નથી તેથી તે શેષ નયોમાં ઉદાસીન થઈને રહે છે.