________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૩૦૯ જાતના ઘટને પોતાની ઉત્પત્તિમાં દંડાદિક સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે.
ઉપાદાનકારણભૂત માટી ભિન્ન ભિન્ન હોય તો તેમાંથી બનનાર ઘટાદિક કાર્ય ભિન્ન ભિન્ન જરૂર બને. પરંતુ તે બધા જ ભિન્ન ભિન્ન સ્વરૂપે બનનારા ઘડાને પોતાની ઉત્પત્તિમાં દંડાદિ નિમિત્ત સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે. તેવી જ રીતે ઉપાદાન કારણભૂત આત્મામાં રહેલી યોગ્યતા પ્રમાણે કોઈ જીવનો વહેલો મોક્ષ થાય, કોઈ જીવનો મોક્ષ મોડો થાય. કોઈ જીવનો મોક્ષ તીર્થકરરૂપે થાય, કોઈ જીવનો મોક્ષ અતીર્થકરપણે થાય. પરંતુ પન્નરે પ્રકારના સિદ્ધ થનારા મહાત્માઓને જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનામય નિમિત્તકારણ તો લેવું જ પડે છે. નિમિત્તકારણ વિના મોક્ષ થતો નથી.
કોઈક જીવ (મલ્લિનાથ પ્રભુ વગેરે) વહેલા કેવળજ્ઞાન પામે અને કોઈક જીવ (ઋષભદેવ પરમાત્મા વગેરે) ૧૦૦૦ વર્ષે કેવળજ્ઞાન પામે. આમ કાળભેદ-સ્થળભેદ વગેરે પોતાની ભવિતવ્યતા પ્રમાણે થાય છે. પરંતુ તે દરેકને જ્ઞાનાદિ ગુણોની સાધના કરવા રૂપ નિમિત્ત કારણ તો સ્વીકારવું જ પડે છે. નિમિત્તકારણની સેવના વિના મુક્તિરૂપ કાર્ય થતું નથી. વિંશતિવિંશિકામાં કહ્યું છે કે - | સર્વે પણ ભવ્ય જીવોમાં તથાભવ્યત્વ નામનું મુક્તિનું કારણ રહેલું છે. પરંતુ તે તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. કોઈક જીવમાં તે વહેલું પાકે તેમ હોય, કોઈક જીવમાં મોડું પાકે તેમ હોય, કોઈક જીવ અનંતર રૂપે એટલે અલ્પકાળમાં અને કોઈક જીવ પરંપરા રૂપે એટલે દીર્ઘકાળે સિદ્ધ થાય છે. જે જીવમાં જેવી સિદ્ધિ થવાની ભવિતવ્યતા (તથાભવ્યતા) પાકે છે. ત્યારે તે જીવની સિદ્ધિ થાય છે તેનાથી તે તે પર્યાયને તે તે કાળે પ્રગટ કરનાર તે જીવ બને છે. અર્થાત્ જીવની જેવી તથાભવ્યતા હોય તે પ્રમાણે તે જીવ તે કાળે તે પર્યાય પામે છે.