________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
સારાંશ એ છે કે ઘણાં ઈંધન હોય તો બાળવામાં ઘણો સમય લાગે અને થોડાં ઈંધણ હોય તો થોડો સમય લાગે પણ અગ્નિનો બાળવાનો જે સ્વભાવ છે તે તો અખંડિત જ રહે છે. તેની જેમ રત્નત્રયીનો સંગ એ મોક્ષનું કારણ છે. આમ સમજો. કાળ થોડો લાગે કે ઘણો લાગે પણ અગ્નિ જેમ બાળવાનું કામ કરે જ છે તેમ રત્નત્રયીની સાધના એ મુક્તિનું કારણ છે. તે મુક્તિ આપે જ છે. આ કારણપૂર્વક જ કાર્યની સિદ્ધિ થાય
છે.
૩૦૪
પ્રશ્ન :- અહીં કોઈક નિયતિવાદી પ્રશ્ન કરે છે કે રત્નત્રયીની સાધના એ મુક્તિનું કારણ નથી. કારણ કે જે કાર્ય જે કાળે થવાનું નિયત હોય છે તે કાર્ય તે કાલે જ નિયતપણે થાય છે. પછી સાધના કરવાની જરૂરિયાત જ ક્યાં રહે છે ? ઋષભદેવ પ્રભુએ ૧૦૦૦ વર્ષ સુધી રત્નત્રયીનું સેવન કર્યું તો પણ કેવલજ્ઞાન જ્યારે થવાનું હતું ત્યારે જ ૧૦૦૦ વર્ષ પછી જ થયું. તો રત્નત્રયીની સાધના કરવાની જરૂરિયાત જ ક્યાં રહી ? માટે જે કાર્ય જે કાળે થવાનું નિયત છે તે કાર્ય તે કાળે જ થાય છે અને અવશ્ય થાય જ છે. તેથી તેનાં કારણો સેવવાની કંઈ જરૂર નથી. તેથી નિયતિ જ પ્રધાન છે, પુરુષાર્થ કરવાની કે મુક્તિ માટે રત્નત્રયીની આરાધના કરવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે પૂર્વપક્ષકાર નિયતિવાદી પ્રશ્ન કરે છે.
ઉત્તર ઃ- આ પ્રશ્ન બરાબર નથી. ઘણા લાંબા કાળે ક્ષય પામે એવાં કર્મોને લાંબા કાળે પણ રત્નત્રયીની સાધના જ ખપાવે છે. અને અલ્પ કાળે ક્ષય પામે એવાં કર્મોને પણ રત્નત્રયીની સાધના જ અલ્પકાળે ખપાવે છે. તે તે જીવોનાં પૂર્વકાલમાં તેવાં તેવાં કર્મો બંધાયાં છે. માટે તેવા પ્રકારે સાધનાથી જ ક્ષય થાય છે.
પ્રશ્ન :- તે તે જીવોએ આવાં કર્મો કેમ બાંધ્યાં ? કે કોઈકનાં કર્મો લાંબા કાળે તોડી શકાય અને કોઈકનાં કર્મો અલ્પકાળે તુટી જાય ?