________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૯૯ પ્રગટ કરવાનો બાકી નથી. માટે તેઓને તપ (આહારત્યાગ) કરવો જરૂરી નથી. પ્રાપ્ત થયેલું આ શરીર આહાર દ્વારા જ ટકે છે અને તેઓને શરીર છે તેથી શરીર હોવાના કારણે શરીર ટકાવવા માટે આહારગ્રહણ હોય છે. મોહથી આહારગ્રહણ હોતું નથી. આ કેવલજ્ઞાની ભગવંતો મોહરહિત વીતરાગ હોવાથી સમાન પરિણામવાળા હોય છે. એટલે કે એક જ સંયમસ્થાન (યથાવાત ચારિત્રયુક્ત) હોય છે. સંયમની ધારામાં હાનિ-વૃદ્ધિવાળા પરિણામ હોતા નથી. એટલે આહારગ્રહણ તે શરીર ધર્મ હોવાથી શરીર ટકાવવા પુરતું જ આહાર ગ્રહણ હોય છે અને તેના કારણે જ નિહાર પણ હોય છે. તથા વિહાર પણ કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના મોહના વિકારો હોતા નથી. આહાર-નિહાર અને વિહાર હોય છે પણ મોહના ભાવો હોતા નથી.
વીતરાગ કેવલજ્ઞાની ભગવંતો વિનાના ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા જીવોને ગુણોની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલા ગુણોના સંરક્ષણ માટે તપ, આત્મદમન ઈન્દ્રિયસંયમ ઈત્યાદિ અનેક પ્રકારનું ઉત્તમ આચરણ આચરવાનું હોય છે. આ જીવોને પ્રાપ્ત થયેલું પરમાત્માનું શાસન અને ચારિત્ર આદિ ગુણોની રક્ષા માટે યથાશક્તિ તપ કરવો પણ આવશ્યક છે. આહારાદિ ભાવોની લોલુપતા ન વધે તે માટે તપ આદિ ગુણો આચરવા અતિશય આવશ્યક હોય છે. આ કારણથી જ ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે -
मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः ॥९-८॥
“પરમાત્માનો પ્રાપ્ત થયેલો જે માર્ગ (પ્રાપ્ત થયેલા જે ગુણો) તેનાથી આ આત્માનું ચ્યવન (પતન) ન થઈ જાય એટલે કે પ્રાપ્ત થયેલા ગુણો ટકી રહે અને તેમાં વૃદ્ધિ થાય તે માટે તથા કર્મોની નિર્જરા માટે (એટલે કે કર્મોથી આચ્છાદિત ગુણો પ્રગટ થાય) આ બે કારણોસર આ જીવે ૨૨ પરિષહો જીતવા જોઈએ. (તત્ત્વાર્થસૂત્ર ૯-૮)