________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૯૫
જીવોનું આગમન ન થવાનું પણ નિયત હતું તેથી જ કોઈએ વિરતિ ન લીધી આમ સમજવું જોઈએ.
જેમ ઈન્દ્રભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોનું ગણધરપદે સ્થાપિત થવાનું નિયતિવાદથી નિયત હતું તેમ અભિમાનપૂર્વક પણ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વાદમાં જિતવાની બુદ્ધિથી પરમાત્મા પાસે આવવાનું પણ નિયત હતું. આમ લેવું જોઈએ. આ ઉદાહરણોથી સમજાશે કે કાર્ય જેમ નિયત છે તેમ તે કાર્યને કરનારું કારણ પણ અંદર નિયત હતું. આમ સમજીને મોક્ષની નિયતિ જો સ્વીકારો તો મોક્ષને પ્રાપ્ત કરાવે તેવી ક્રિયાની પણ નિયતિ સ્વીકારવી જોઈએ. માત્ર એકલી કાર્યની નિયતિને આગળ કરીને કારણની નિયતિને કાઢી નાખવી અથવા ન માનવી તે ઉન્માર્ગ જ જાણવો. મિથ્થા વચન સમજવું.
જે જે મહાપુરુષો પોતાના આત્માનો મોક્ષ કેવળજ્ઞાનથી નિયતપણે દેખે છે તે તે મહાપુરુષો પણ આવા પ્રકારના તપ-જપ આદિ ધર્મઆરાધનથી જ મોક્ષ થવાનો છે આ પણ કેવળજ્ઞાનથી દેખે છે માટે ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરતા નથી. પણ કાર્યસાધક ધર્મક્રિયા કરે જ છે માટે ક્રિયાનો નિષેધ કરવો જોઈએ નહીં.
કારણ કે તે તે કાલે તેવી તેવી કારણસામગ્રી મળવાથી જ તે તે કાર્યની ઉત્પત્તિની નિયતિ છે. તેના વિના (એટલે કે કારણની નિયતિ વિના) કાર્યની નિયતિ પણ અનિયત છે. આમ સ્યાદ્વાદપૂર્વક તત્ત્વ જાણવું.
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કર્મ ખપાવવા માટે ૫ માસ ૨૫ દિવસનો તપ થવાનો જેમ નિયત હતો તેમ તે નિયતિને અનુરૂપ પ્રભુને અભિગ્રહ ધારણ કરવાનું મન થયું અને ૫ માસ તથા ૨૫ દિવસે ચંદનબાળાની પણ (પગમાં બેડી, માથે મુંડી, બારણાની અંદર અને બહાર ઉભેલી, સુપડામાં બાકુળા વગેરે દ્રવ્યોની પ્રાપ્તિ) આ બધું પણ નિયતિવાદથી નિયત હતું આમ જાણવું જોઈએ. કેવળ એકલી કાર્યની નિયતિ આગળ કરીને કારણનો અપલાપ કરવો તે ઉચિત નથી. પણ ઉન્માર્ગ જ છે.